પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

શાંતિદાસ શેઠની દુકાને આવી ઊભાં રહ્યાં ત્યારે મહેતાજીનું મોં મલકી રહ્યું. પોતાને ત્યાંથી જ બે મહિના પર ગયેલાં ઘરેણાં પાળેલાં પારેવાં પેઠે પાછાં આવીને કાંટામાં બેઠાં. આ વખતે તો એણે પેલા જુવાનને બદલે બીજાને જ તોલ કરવા બેસાડ્યો હતો. તોલનો આંકડો મૂકીને એણે પૈસા આપવા માંડ્યા ત્યારે નીમ્યાનું મોં પડી ગયું. "લઈ ગઈ ત્યારે તો તોલ વધુ થયેલો ને?" એણે કહ્યું. બ્રહ્મી નારી તોલ ભૂલી નહોતી.

"વાહ!" મહેતાજીએ કહ્યું : "ઘસારો લાગ્યો છે એ જ વાત ભૂલી ગઈ કે?"

"ઘસારો વળી કેવો?"

"પૂછી જો કોઈને પણ. સોનું તો પહેર્યે ઘસાય જ !"

"પણ આટલું બધું ઘસાય? મેંયે સોનાં બહુ વેચ્યાં છે!"

"તમારા કાન મજબૂત ખરાને એટલે ઘસાય."

"સોનું ઘસાય, પણ નંગ કાંઈ ઘસાય?"

"ઘસાય જ."

"ના, ન ઘસાય, ઉલ્લુ ન બનાવ."નીમ્યાએ રકઝક આદરી.

"બાઈ!" મહેતાજીએ માઠું લગાડીને કહ્યું : "માથાકૂટના અમે કાયર છીએ. જેમ થતું હશે તેમ થશે."

"ના, નહીં થાય." નીમ્યા રોષે ભરાવા લાગી.

"હવે ચાલ ને, જે આપે તે લઈ લે ને." માંઉ-પૂ ઊભો ઊભો પરેશાન થતો હતો.

"તું શું સમજે? તોલ બરાબર નથી. તારામાં પાણી નથી શું? પંદર રૂપિયા ઓછા લઈ જઈને ખાવું શું? ખેતર રહ્યું નહીં, કાંઈ રહ્યું નહીં ને તું તો લહેરી લાલો વગરધંધે બેઠો છે."

આ ટોણાએ માંઉ-પૂને ઉત્તેજિત કર્યો. એણે મહેતાજીને કહ્યું, "તો ચાલો તઠે આગળ." તઠે એટલે શેઠ.

"તઠે ફઠેની પંચાત ન કર. હું જ તઠે છું. તું તારે જોઈતા હોય તો લઈ લે આ પૈસા." મહેતાજીએ તિરસ્કાર કર્યો.