પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


બ્રહ્મી ભાષામાં 'તું' માટે 'મીં' નામનો એકાક્ષરી શબ્દ છે. વારંવાર 'મીં' શબ્દ વપરાવા લાગ્યો. મહેતાજીએ 'મીં' શબ્દ નીમ્યા માટે પણ વાપર્યો. આ 'મીં' શબ્દની તોછડાઈ બ્રહ્મી માણસની ખોપરીમાં ખીલો ઠોકવા બરાબર છે. માંઉ-પૂ એ તુરંત કહ્યું : "કેમ કાંઈ ઢીઢા ઉપર ચરબી વધી ગઈ છે!"

"હવે જાજા, ચભોજી! તારા જેવા તખો તો બહુ જોયા છે."

ચભોજી એટલે મૂળ માંકડ; તે પરથી ગઠિયો. તખો એટલે ચોર. તખો અને ચભોજી જેવા શબ્દો વપરાયા ત્યારે છેવટે માંઉ-પૂએ પ્રત્યેક બ્રહ્મદેશીની પરેશાની પરાકાષ્ઠા દર્શાવનાર બોલ કાઢ્યો: " મખાં નાંઈ બૂ." ( આ હું સહન નહીં કરી શકું.)

"તો થાય તે કરી લેજે."

બસ, ચુપચાપ જે પૈસા મળ્યા તે ગણી લઈને માંઉ-પૂ નીમ્યાને લઈ ચાલ્યો ગયો. મહેતાજીને પેલા વેદિયા જુવાન તરફ ફરીને કહ્યું: "જખ મારીને લઈ ગયાં ને! આ લોકો સાથે સતનાં પૂછડાં થયે કાંઈ લાભ નથી. આખી પ્રજા દળદારીનો અવતાર છે. એને તો ઓલ્યા ઐયા જ પહોંચે."

'ઐયા': મદ્રાસ બાજુના ચેટ્ટીઓ.


૧૪ બર્માનાં ઉદ્ધારકો !

હેરમાં ગુજરાતીઓની નવીસવી, ખાનગી જેવી એક કામચલાઉ ક્લબ હતી. શેઠિયાઓ ત્યાં બેસી રાત્રે પાનાં રમતા, જુગાર પણ ખેલતા, ખેલતાં થાકે ત્યારે ચા ને સિગારેટ પીતા, અને પીતાં થાકે ત્યારે પછી ચર્ચા કરતા.