પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


"મારા બેટાઓ! શું ફાટ્યા છે આ બર્મી મજૂરો!" શાંતિદાસ શેઠની ફરિયાદ સૌથે વધુ સખત હતી, કારણકે એના વ્યાપારમાં હમણાં પરચૂરણ વસ્તુની દુકાનનો ઉમેરો થયો હતો. "પરમ દિવસ મારી બિસ્કિટની પેટીઓ આવી, કોણ જાણે ક્યાં તૂટી, અંદરથી એક ટિન કાઢી ખોલીને મારા બેટા ગોદામમાં જ ટોળે વળી બિસ્કિટનો નાસ્તો જમાવી બેઠા. ને આજ લુંગીની પેટી તોડીને દરેક જણે અક્કેક લુંગી પહેરી લીધી. સરકારે જ ઉપર રહીને ફટવ્યા છે."

"ત્રણ કાલી બૂ!" યાંગંઉથી પોતાની શાખા તપાસવા આવેલા શામજી શેઠ બ્રિજનાં રમત-પાનાંને થૂંકાળી આંગળી વડે ફેરવતા ફેરવતા 'કૉલ' કરતા હતા.

"એક આ દાક્તરને લીલાલહેર છે!" શામજી શેઠે દોર ઉપાડી લીધો : "બિસ્કિટ ખાઈ જાય, લુંગી પહેરી લ્યે, પણ ક્વિનાઈનનો કોઈ બરમો બચ્ચો થોડો નાસ્તો ઉડાવી શકે છે!'

"ડૉક્ટર સાહેબને તો બરમાઓ બહુ વહાલા છે." ત્રીજાએ કહ્યું.

"બરમા બરમી બધાં જ વહાલાં," એમ બોલીને શાંતિદાસ સિફતથી પાનાં ફેરવતાં હતા.

"ડૉક્ટર સાહેબનું ચાલે તો આપણને ગુજરાતીઓને આંહીના વેપારધંધાથી બાતલ કરીને પાછા હિંદુસ્તાન ભેળા કરી મૂકે."

"તો શું એમ માનો છો કે આ કપાળ-ગરાસ સદાકાળ ભોગવી શકશે ગુજરાતીઓ? તમને તો શેઠ, એ બરમાઓ જ પહોંચે." ડૉ નૌતમે નજીક બેઠાં છાપું વાંચતાં વાચતાં ટમકું મૂક્યું.

"આપણા ભણેલાઓ આંહી આવવા માંડ્યા તે દિવસથી જ આપણી સાડસતી બેઠી છે." શામજી શેઠે પોતાના અભણપણાને આડકતરી અંજલિ આપી.

ડૉ. નૌતમે ફરી છાપામાંથી મોં ઊંચું કરીને પૂછ્યું : "આપણે શું આંહી પરોપકર અર્થે બેઠા છીએ, હેં શામજી શેઠ?"

"પણ આપણે કાંઈ કોઈનું પડાવી લીધું તો નથી ના?"