પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છાપા પાછળ મોં છુપાવ્યે નહીં ચાલે. બોલો શું ભરો છો?"

"એક પાઈ પણ નહીં." ડૉક્ટરે હળવે મોંયે જવાબ વાળી વળી પાછું છાપું વાંચવું ચાલુ રાખ્યું.

"કેમ ? બ્રહ્મી લોકોના ઉદ્ધારમાં તમારી જવાબદારી નથી ?"

"તમે ઉદ્ધારકો છો એમ હું સ્વીકારું તો ને ?"

"તો શું અમે બગાડીએ છીએ?"

"કદાચ એમ જ."

"આ તો ધૃષ્ટતાની અવધિ!"

"એમ પણ ગણી શકો છો. કોઈ પણ પ્રજાને કોઈ બીજી પ્રજાનો ઉદ્ધાર આ રીતે કરવાનો હક નથી."

"કઈ રીતે?"

"એના ધર્મને, સંસ્કારને, રીતરિવાજોને ગાળો દેવાની અને એક ખ્રિસ્તી ધર્મને જ સર્વોદ્ધારક ગણાવવાની રીતે."

"પણ એના ફુંગીઓ..."

"એના ફુંગીઓ ભલે ભ્રષ્ટ હોય, તમે કંઈ દેવદૂતો નથી. એના ફુંગીઓ એમને નહીં પોષાય ત્યારે એ લોકો જ એનો અંત આણશે."

"આ સદ્‍બોધ લેવા અમે અહીં નથી આવ્યાં."

"હું આપવા માટે ક્યાં તમને શોધતો હતો ? પણ તમને બોધ ગમતો નથી, પૈસા ગમે છે: જ્યારે તમે પોતે એવું માનવાની ધૃષ્ટતા રાખો છો કે તમારો બોધ બીજા સૌને ગમવો જોઈએ."

"હર એક્સેલન્સી બહુ નારાજ થશે, ન ભૂલતા."

"નારાજ થાય તો ઓછેથી પતશે. એ રાજી થાય તો જ જોખમ."

"તમારું નામ ?"

"પૂછી લેજોને નીચે દરવાનને."

બબડતી બબડતી તે બેઉ ઈસુ-સેવિકા ચાલી ગઈ. પછી ડૉ. નૌતમે શેઠિયાઓને કહ્યું : "આમની તો ખબર છે ને? - ખરચુ જઈને પાણી લ્યે છે કે નહીં?"