પૃષ્ઠ:Pratimao.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
88
પ્રતિમાઓ
 

માનવજાતિને અર્પણ કરી પોતે સાત વર્ષની નિર્જનતાનો અંત લાવી શકશે, જીવનના વનમાં એની વનદેવીનું આગમન થશે... સજનીના મેંદીરંગ્યા પગની પગલીઓ જાણે ઉંબરમાં પડતી હતી, જાણે એના આગમનના ઝંકાર સંભળાય છે, એની નિર્જનતામાં કોયલ ટૌકે છે. 'વિજયનો જે તાજ જગત મને પહેરાવશે, તે તાજ હું મારી પ્રિયાના ખોળામાં ધરી દઈશ' – આવી ભાવના ભાવતો એ સૂતો.

બીજી રાત્રિઃ પ્રયોગાલયને બંધ બારણે ભૂતાવળો-શા વિદ્યુતપ્રવાહોની ફરી પાછી એ-ની એ કારમી કિકિયારીઓ: ફરી વાર એ એકાકી માનવનો દીવાલો પર નાચતો કાળો ઓળાયો. ફરી વાર એક પછી એક ટપકતાં ટીપાંના આક્રંદમાંથી ભભૂકતી ધોળી ધોળી, સર્પાકાર ધૂમ્રશિખાઓઃ અને ફરી વાર એ રસાયનના એક જ ઘૂંટડા સાથે, કાળી લાય લાગી જઈને કોઈ ફૂલબાગ સળગી ગયો હોય તેવું એ યુવાનનું દાનવી રૂપ-પરિવર્તન: કોઈને જાણે ખાઈ જશે તેવા લાંબા દાંત અને રીંછ જેવી રોમાવલિ. 'આહ ! આહ ! આહ !' કરતો અસુર બહાર આવ્યો; વેદના શમી ગઈ, આનંદ સાથે એણે પોતાની મુખાકૃતિ દર્પણમાં તપાસી. અને એ આકૃતિને એણે જાણે ગર્વભેર સંભળાવ્યું:

“હા, બસ ! હવે તારી આસુરી ચૂડમાંથી છુટકાર પામેલો મારો સદાત્મા દિવ્યલોકમાં પાંખો પસારશે. અણરૂંધ્યો મારો આત્મા હવે સહેલાઈથી સત્યનાં દર્શન પામશે. લાલસા અને સ્વાર્થવૃત્તિઓનાં દર્દ શમી જશે. તને મેં આજે મારા હૃદયમંદિરમાંથી બહાર કાઢ્યો છે. ને તે જ રીતે હું એકેએક માનવાત્માની અંદરથી તને આગ લગાવી સળગાવી બહાર કાઢીશ. બહુ દિવસ તારાં શાસન રહ્યાં. બહુ યુગો સુધી તે માનવજાતને પાપમાં રોળી. હવે તારી ઘડીઓ ગણાય છેઃ હા-હા-હા-હા....”

‘હા-હા-હા-હા !' એવો સામો પડઘો આવ્યો. દર્પણમાં દેખાતી આકૃતિના મોટા દાંત હસી રહ્યા હતા. આ પરંતુ એકાએક આ શું થયું? એની આંખો સામે ઘડિયાળના લોલક માફક આ શું ઝૂલવા લાગ્યું ? કોઈ ઝાડની ડાળખીનો પડછાયો? કે કોઈ