પૃષ્ઠ:Pratimao.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આત્માનો અસુર
89
 

લાકડે પૂછડી વીંટાળીને લટકતા કોઈ ફણીધર સાપનો ઓળાયો ? એણે આંખો ચોળી, ફરી ફરી નિરીક્ષણ કર્યું અને એની આંખો મદવિઠ્ઠલ બની. એ આંખોએ જે ભુજંગાકાર દીઠો તે હતો એક પગઃ ઘૂંટણ સુધીનો એક ગૌરગૌર સુંદરી-શરીરનોઃ ચણિયાના ઊંચા થઈ ગયેલા સળમાંથી ઉઘાડો બની હીંચોળા લેતો, રક્તભરપૂર પીંડીઓને છોળો લેવરાવતો એક પગઃ પલંગ પરથી ઝૂલા ખાતો પગઃ એ પગના ઘૂંટણ ઉપર એક પાટો હતો.

ઓળખાયો: તે દિવસે જેનો પાટો ખુદ પોતાને જ હાથે એ બાંધી આવ્યો હતો તે જ આ પગ : જાણે ઝૂલીઝૂલીને સાદ પાડે છે. ઘણા દિવસથી વાટ જોઈ રહેલ છે.

લાલસા જાગી ઊઠી. એ કદરૂપ શરીરે ત્વરાભેર ડગલો ચડાવ્યો. નિત્યની પ્રિય લાકડી લીધી, ટોપી પહેરી. પ્રયોગાલયને પાછલે બારણે તાળું લગાવીને ઊપડતે પગલે એ ચાલી નીકળ્યો. વાસનાનાં ચક્રોએ એને વિદ્યુતગતિએ પેલી વારાંગનાના ઉંબર પર આણી મૂક્યો. એની તલસતી આંગળીએ ઘંટડીનું બટન દબાવ્યું. એ તલસાટના ઉચ્ચાર જેવા સ્વરે ઘરની અંદર ઘંટડી રણઝક્ષી, હમણાં દ્વાર ઊઘડશે, ને પોતાના ભુજપાશમાં એ સુંદરી સમાઈ જશે, એવો તલસાટ એના પગને ધરતી પર નચાવી રહ્યો છે. ત્યાં તો દ્વાર ઊઘડ્યું અને ડોશીએ જવાબ આપ્યો કે 'બાઈ તો નાચઘરની મહેફિલમાં ગયાં છે.'

ત્યાંથી એણે પગ ઉપાડ્યા. ઉદ્દામ બનતી જતી પિપાસાએ પગમાં બેવડું જોર મૂક્યું. જાણે કોઈ ચોર, કોઈ ગળાકટું, કોઈ ખૂની ચાલ્યો જતો હતો. લાલસા જાણે એની આંખોમાંથી છૂરી છૂટતી હોય તેવા ચમકાર કરતી હતી.

શરાબની મહેફિલ ઉડાવતાં માતેલાં સ્ત્રી-પુરુષો આ નવા આગન્તુકને ચોમેર ચકળવકળ નીરખતો જોઈ વિસ્મય પામી ગયાં. જે જે મેજ પાસે થઈને જોતો જોતો એ આગળ વધ્યો તે મેજની મઝેદારી ઘડી વાર થંભી ગઈ. સહુની સામે પોતાના લાંબા દાંત કચકચાવતો એ જાણે પ્રત્યેકને વિશે પૂરી બાતમી ધરાવી રહ્યો હોય એવો જાણભેદુ દેખાયો. ને દૂરના એક