પૃષ્ઠ:Pratimao.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આત્માનો અસુર
93
 

હતા. એક ઝાડની ડાળી પર બેસીને દેવચકલાં સંધ્યાગીત ગાતાં હતાં. ગાતાં ગાતાં એ બેઉ નરમાદા ચાંચમાં ચાંચ પરોવતાં હતાં. પાંખોમાં પાંખો ઢાળી લથબથ ક્રીડા કરતાં હતાં. યુવાન વિજ્ઞાની એ પક્ષી-ક્રીડા નિહાળી રહ્યો. ‘હમેશાં ગાયા કરો, હે પંખી!' ઇલ્મીએ એ પક્ષીગાનના રસમાં ભીંજાઈ જઈને આશીર્વાદ આપ્યાઃ 'સદા ગાયા જ કરજો. કુદરતે તમારા કંઠમાં વિશ્વ-શાંતિની શરણાઈઓ ભરી છે. નિરંતર ગાયા કરજો. નિરંતર તમારી જુગલ-જોડ આ પ્રણયસુખમાં રમ્યા જ કરજો. કોઈ પાપી એને વિછોડશો ના!'

એ આશીર્વચન હજુ તો એના મોંમાં જ છે, પક્ષીઓએ હજુ એની ચાંચ બીડી નથી, ત્યાં તો એક જંગલી બિલાડીએ ડાળ પર તરાપ મારી, ગીતો ગાતી દેવચકલીને દાંત વચ્ચે પીસી નાખી. ઝાડ પર ચીંચીંકાર થઈ રહ્યો અને ઈલ્મીની આંખો ફાટી રહી.

રોજ તો પેટમાં દવા પડતી ત્યારે જ રૂપ-પલટો થઈ જતો. પરંતુ આજે આ હિંસાના દ્રશ્ય મા જ એના શરીરમાં પલટાની તીવ્ર લાગણી જગાડી. અંદરનો અસુર પછાડા મારી જાગી ઊઠ્યો. નસો તૂટ સૂટ થઈ રહી. રોમ રોમ પ્રજ્જવલવા લાગ્યાં, અને વેદનાના ન સાંભળ્યા જાય તેવા ઓહકારા વચ્ચે એણે પોતાની સિકલ ફરતી અનુભવી. હાથ ઉપર નજર કરી. રોમેરોમે રીંછના વાળ ખડા થયેલા દીઠા. અને એ દૈત્ય-આકૃતિ લઈને વિજ્ઞાનીએ છૂપી દોટ દીધી. બાગમાંથી બહાર નીકળી એક દીવાલની ઓથે એ થોડી વાર થંભ્યો. ઔષધિ વિનાનું આ રાક્ષસ-રૂપ કયાંથી પ્રગટ્યું ! 'હાશ, હાશ' એવા નિઃશ્વાસોની ધમણ ધમાઈ રહી. રૂંવે રૂંવે પસીનો છૂટી પડ્યો. પણ હજુ તો આ ઓચિંતી વિકૃતિ ઉપર ક્ષણભર વિચાર કરે છે ત્યાં તો આત્મભાન ચાલ્યું ગયું. સ્વાગતના સાથિયા પૂરતી, ધૂપદીપ જલાવતી અને વાટ જોતી પાકદિલ પ્રિય કુમારિકા વીસરાઈ ગઈ. એને બદલે આસુરી હૃદયે યાદ દીધું કે 'ચાલો, પેલી ઝૂલતા પગવાળીને વચન આપ્યું છે – એને ઘેર જવાનું, એનું ગાણું સાંભળવાનું'.

રાત્રિના આઠ વાગ્યે જ્યારે નગરીની એ પ્રખ્યાત નટી પોતાના ઘરમાં