પૃષ્ઠ:Pratimao.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
94
પ્રતિમાઓ
 

અધરાતના શણગાર સજી રહી હતી, ત્યારે બારણામાં માનવદૈત્ય હાજર થયો. ચીસ પાડવાની હિંમત એ સુંદરીમાં નહોતી રહી. ગળું પીસી નાખે તેવા પંજા પહોળાવીને એ પિશાચે હુકમ કર્યો: “આંહીં આવ.”

થથરતે દેહે સુંદરીએ એની પાસે, લગભગ એના ખોળામાં આસન લીધું.

“હવે પેલું ગીત ગા. ત્યાં મહેફિલખાનામાં બીજાઓને સંભળાવ્યું હતું એવા જ લહેકાથી ગા.”

નર્તકીનું દયામણું મોં કરગરી રહ્યું.

"ગા !” પિશાચ ઘૂરકયો.

‘સજિયાં અકેલી દુઃખ દે !' એણે ગાયું - બિલાડાના મોંમાં ઝલાયેલી મેના ગાય તેવું ગાયું.

ને પછી બળબળતી લાલસાએ વારાંગનાના દેહમાંથી તૃપ્તિ મેળવી.

[5]

ઉપરાઉપરી હવે તો કોઈક હિંસક અથવા ઉદ્દીપક દેશ્ય ભાળતાં જ રૂપ-વિકૃતિ થાય છે; કોઈ હલકી લાગણીનું જોર પણ એને અસુર બનાવી મૂકે છે. હવે તો શરીરની પ્રકૃતિ જ રોજની આદતને તાબે થઈ ગઈ છે. અને એક દિવસ બપોરે જ્યારે આ મૂર્તિમાન પ્રાણાત્મા જેવો સુંદર ઇલ્મી પોતાના એ વિનાશને વિચારે અફસોસ કરતો બેઠો હતો, ત્યારે એ જ નર્તકી હાજર થઈ.

"દાક્તરસાહેબ ! ઓ દયાળુ દાક્તરસાહેબ !” એ સુંદરી ત્યાં ધ્રુસકાં ભરીને રડી પડી: “મને બચાવો. મને કોઈ રીતે બચાવો.”

“કોનાથી? તને શું છે બહેન? તું શેનાથી બચાવ માગે છે?" ઇલ્મીના અંગ પર અનુતાપના સ્વેદ વળવા લાગ્યા.

"મને એક પિશાચથી બચાવો. એક અસુર રોજ રાતે મારે ઘેર આવે છે અને મારું લોહી શોષી જાય છે. હું કોઈને આ વાત કહી શકતી નથી. કહું તો કોઈ માનશે નહીં. પણ મારું શરીર ચૂસી જનાર એ જણના પંજામાંથી મને ઉગારો, ઓ ભલા દાક્તરસાહેબ.”