પૃષ્ઠ:Pratimao.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આત્માનો અસુર
97
 

દેવમુદ્રા પ્રકાશી ઊઠી.

વાચાને સ્થાને નહોતું. અધરાતે બેઉ છૂટા પડયા.

[6]

“અત્યારે અત્યારે તમે અહીં ?” ચોવીસ વર્ષની કુમારિકા ચમકી ઊઠીઃ “મારા બાપુ જાણશે તો ? ભલા થઈને તમે –"

"હા, હું વિદાય લેવા જ આવેલ છું.” દ્વારમાં આવેલો પુરુષ હાથ જોડીને યાચના કરતો ઊભો રહ્યોઃ “હવે તમારા બાપુને હું નહીં સતાવું.”

કુમારિકા નજીક આવી. પુરુષનું મોં ઉકેલવા લાગીઃ “શું બોલો છો ? શાની વિદાય?”

"હું તમને મારી સાથેના વેવિશાળમાંથી મુક્ત કરવા આવ્યો છું.”

“સાત વર્ષો સુધી વાટ જોયા પછી મારો કશો દોષ ?”

મૂંગા મૂંગા એ પુરુષે માથું હલાવ્યું અને કહ્યું: “મારું દુર્ભાગ્ય.” એની આંખોના ખૂણામાં અક્કેક આંસુ ઝલકી ઊઠયું.

“પણ શા માટે?" કુમારિકાએ પુરુષના હાથ ઝાલ્યા. બેસારીને કહ્યું “હવે મને કહો. મૂંઝવણમાં પડયા છો તમે ? કોઈ નવું લગ્ન ?”

"આજે હું હાંસી સહી શકીશ નહીં. મારું નવું લગ્ન તો હવે મૃત્યુ સાથે જ થઈ શકશે.”

"પણ તમને થયું છે શું ! કેમ આજે ગાંડાં કાઢો છો ?" કુમારિકાએ પુરુષના માથા પર - આખા માથા પર – હાથ ફેરવ્યા.

પુરુષે એના ખોળામાં પોતાનું માથું નાખી દીધું. એનું હૈયું ભેદાતું હોય તેવો અવાજ નીકળ્યો. સ્ત્રીએ એ મોંને ઊંચે લીધું મા એના બાળને પૂછે તેવે સ્વરે પૂછયું: “શું છે આ બધું? કહો, મારા સોગંદ, મને કહો.”

“તને નહિ કહી શકું એવી એ વાત છે. જીવનભર મારે પ્રાયશ્ચિત્ત જ કરવાનું રહેશે. તારો અવતાર મેં બગાડયો છે.”

પુરુષે સ્ત્રીના પગ સુધી માથું લઈ જઈને કપાળ પર એના પગનો સ્પર્શ લીધો. પછી એ ઊભો થયો.

સ્ત્રીએ એના હાથ ઝાલી લીધાઃ સાત વર્ષોમાં કદી નહોતા ઝાલ્યા