પૃષ્ઠ:Pratimao.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આત્માનો અસુર
99
 

ચિસે આખા ઘરને ઢંઢોળ્યું.

જેને જરી અડકવામાં પણ પોતાની કોમલ સંસ્કારિતા આઘાત પામતી, તેને જ અત્યારે પોતાના ભુજપાશમાં રગદોળી રહેલો એ પુરુષ એ તૂટતા બારણામાં ધસી આવનાર વૃદ્ધ સસરાને ભોંય પર ધકેલી દેતો નાસી છૂટ્યો. પછવાડે પોલીસનું ને લોકટોળાનું બૂમરાણ બોલ્યું. ચોરગતિથી નાસતા એ પુરુષે પોતાને મકાને પહોંચીને પાછલા દ્વારની ચાવી કાઢવા ગજવાં તપાસ્યાં. પરંતુ તે દિવસની પેઠે આજ પણ દ્વાર અંદરથી જ બંધ કરેલું હતું. એ દોડયો આગલા પ્રવેશ-દ્વારે. ટકોરા માર્યા. બુઢ્ઢા નોકરે બારણું ખોલ્યું. ભયાનક રૂપ દેખતાં જ ‘દાક્તરસાહેબ ઘરમાં નથી' એટલું એ માંડ બોલી શક્યો. એક જ ધક્કો મારીને દાક્તર અંદર પેઠો. અને પોલીસની ટુકડી ત્યાં આવીને બારણું ઠોકવા લાગી ત્યારે એ પોતાની પ્રયોગશાળામાં દાખલ થઈ જઈ કપડાં ઉતારી, ઔષધિ પી લઈ, પોતાના અસલ સ્વરૂપે જાણે કશું કામ કરતો બેસી ગયો.

'આંહીં પેઠો છે ! એ ચોર આંહીં જ પેઠો છે !' એવા રીડિયા પાડતી પોલીસ-ટુકડી પ્રયોગશાળાનું બારણું તોડવા મથી રહી.

દાક્તરે બારણું ઉઘાડ્યું: 'મારો ! મારો ! મારો !' શબ્દની ચીસો નાખતા પોલીસોએ અંદર પેસતાં જ એ પૂજનીય પુરુષની ભવ્ય મુખમુદ્રા. દીઠી. પ્રતાપી અવાજે એણે પોલીસને પૂછ્યું: “શું છે? શી ધાંધલ મચાવી રહ્યા છો આંહીં?"

ખસિયાણો પડેલ પોલીસ-અમલદાર પોતાની રિવૉલ્વરને નીચી નમાવી બોલ્યો: “માફ કરજો, સાહેબ, પણ અહીં એક ખૂની પેઠો છે."

“અહીં ખૂની પેઠો છે?"

“જી હા, અમે અમારી સગી આંખે એને અહીં પેસતાં જોયો છે.”

“તમારી ભૂલ થતી લાગે છે. અહીં કોઈ નથી.”

“સાહેબ, એ. આપનાં બાનુ ઉપર અત્યાચાર કરીને અને આપના સસરાનો જાન લઈને નાઠો છે. અહીં જ પેઠો છે એ.”

“ન હોય.”