પૃષ્ઠ:Pratimao.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
104
પ્રતિમાઓ.
 

મહેમાન હજુ યે અણગમો પામીને ચાલ્યો જશે તો? એણે પોતાનું કિસ્મત એ જુવાનની બે આંખોનાં છાબડાંમાં તોળાતું દીઠું.

બાળકના જેવી એ નિર્વ્યાજતાને નિહાળવામાં સુખની સમાધિ પામેલા એ યુવાને આખરે લાંબી વાર સુધીની એકીટશ દૃષ્ટિને ઉઠાવી લઈ પહેલો પ્રશ્ન કર્યોઃ

“તમારું નામ ?"

“ચુ-ચુ-સેન.” ઉત્તર આપતાં આપતાં છોકરી ના અંતરમાં નવું અજવાળું થયું.

"ચુ-ચુ-સેન!!” યુવકની જિજ્ઞાસા વધી; “એટલે શું?”

કન્યાએ શબ્દનો અર્થ સમજાવવા યત્ન કર્યો. આ રંગીલા વહાણવટીઓની વિદેશી ભાષાનું ભાંગ્યું-તૂટ્યું જ્ઞાન ધરાવવું એ આંહીં દાખલ થતી સુંદરીઓનો વિશિષ્ટ ગુણ હતો. વેશ્યાગારની બહાર ચોડેલું પાટિયું એ સમાચાર માટે અક્ષરે પોકારી રહ્યું હતું, છતાં અઢાર વર્ષની યુ- ચુ-સેન પોતાના નામનો સ્ફોટ ન પાડી શકી. થોથરાતી જીભે એણે કહ્યું:

“એક જીવડું.”

"કયું જીવડું?”

જવાબમાં છોકરીએ શબ્દની ભાષાને પડતી મૂકી, ઈશારતની વિશ્વવાણી અજમાવી. બેઉ હાથના પંજાને પતંગિયા-આકારે સંધાડયા, ને પતંગિયાની પાંખો હલે તે રીતે હલાવ્યા.

“ઓહો ! પતંગિયું?” યુવક હસ્યો.

“એ જ, એ જ.” આશાતુર આંખે તાકી રહેલી છોકરીએ પોતાની સમજાવવાની શક્તિનો વિજય અનુભવ્યો. બીજા પ્રશ્નની રાહ જોતી એ. સ્મિતભરી અને ઓશિયાળભરી ઊભી રહી.

- ને થોડી વાર પછી સમાપ્ત થયેલી પિછાને જ્યારે એ બન્નેને સુખાલિંગનની સમાધિમાં બે-પાંચ ઘડી વિલીન બનાવ્યાં હતાં, ત્યારે મકાનની ઊંચી ઓસરીમાંથી કોઈ ચાબૂકનો ફટકો પડે તેવો એક અવાજ આવ્યો: “ચુ-ચુ-સેન!"