પૃષ્ઠ:Pratimao.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
એ આવશે!
105
 

સુખસમાધિ ભાંગી ગઈ. વેશ્યાલયનો માલિક રાતોપીળો થતો. આવીને ઊભો રહ્યો. કંઈક ભૂલ થઈ છે એવા ભાવથી યુવક પણ થંભી ગયો.

“ચુ-ચુ-સેન, અંદર જા.” માલિકે આજ્ઞા કરી.

છોકરીએ પરદેશી તરફ રંક દષ્ટિ કરી. પણ માલિકની દૃષ્ટિ વધુ વેધક બનતાં એ અંદર ચાલી ગઈ.

“કેમ? શા માટે અંદર જાય?” મહેમાને પૈસા આપનાર ખરીદદારની કડક ભાષામાં વાંધો ઉઠાવ્યો.

માલિકે દુભાયલે સ્વરે કહ્યું: “તમે સમજતા નથી, મહેરબાન ! પણ આ છોકરી અમારી બીજી તમામ છોકરીઓ કરતાં ચડિયાતા કુટુંબમાંથી આવેલી છે. અમારો રિવાજ એવો છે કે ઊંચા કુળની છોકરીઓને અમારાથી ટૂંક વખતના ખપ માટે ન વપરાય.”

“એટલે?”

“એટલે કે એની સોબત કરવી હોય તો તમારે એની જોડે અમારા દેશની ધર્મ-વિધિ પ્રમાણે લગ્ન કરવાં જોઈએ.”

"લગ્ન ?” યુવકને આશ્ચર્ય થયું.

“હા, લગ્ન; પણ તે તો હંગામી લગ્ન, કામચલાઉ લગ્ન, મહિના, બે મહિના, કે ચાર મહિના પૂરતાં જ. જેવી તમારી જરૂરિયાત.”

“પછી?”

"પછી તમારી મુદત પૂરી થયે તમે તમારે દેશ ચાલ્યા જાઓ, ને છોકરી પોતાના કુટુંબમાં ચાલી જાય.”

“એટલે? પછી શું અમારી કશી જવાબદારી નહીં?”

“ના જી, કશી પણ નહીં"

"છોકરીનું શું થાય? એની ઇજ્જતને શું એબ ન બેસે ?"

“ના રે ના મહેરબાન! એ તો ગંગાના નીર જેવી પવિત્ર જ રહે, કુમારિકા જ લેખાય, ને પછી એનાં કાયમી લગ્ન બીજે ફાવે ત્યાં થઈ શકે.”

“સાચું કહો છો?"