પૃષ્ઠ:Pratimao.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
108
પ્રતિમાઓ
 

 ખિલખિલાટ હસી પડતા બાળકના મોંમાંથી જવાબ આવ્યો: “બા-પા-પા-પા !"

"હત ધુતારા !” મા હસી પડીઃ “આજથી જ બાપની ભેરે થઈ ગયો કે? જોઈ રાખજે. હવે તારે બેન આવશે ને, એટલે અમે ય તમારી બેની સામે બે જણાં થાશું, જોઈ રાખજે તું, પાજી!”

'બા-પા-પા-પા'ના બાલ-સ્વરો છેક ઘરની બહાર જઈ પહોંચતા હતા. અને રસ્તે જતાં લોક એ સાંભળીને એકબીજા સામે મિચકારા કરતાં હતાં.

‘ગાલાવેલી છે ગાલાવેલી !' રસ્તા પરની કોઈ કોઈ સ્ત્રીઓ બોલતી હતી: ‘વાટ જોઈને બેઠી છે ! લેજે હડસેલા ! જો પેલો આવવા બેઠો છે તે !'

- અને એ અખૂટ ગિલાનો આનંદ માણતાં જતાં લોકોની પછવાડે ઓગણીસ વર્ષની એકાકિની જનેતાનો કંઠ જાણે કે એવા કોઈક 'હાલાવાલા'ના સ્વરો લઈને ચાલ્યો જતો હતો. ઠંડા વાયુના સુસવાટા સોંસરા કોઈ આવા અવાજ નીકળતા હતાઃ

ધીરા ધાજો રે ધીરા વાજો
વાહુલિયા હો ધીરા ધીરા વાજો !
બાળુડાના બાપુ નથી ઘરમાં,
આથડતા એ દૂર દેશાવરમાં
લાડકવાયો લોચે છે નીંદરમાં
– વાહુલિયા હો ધીરા ધીરા વાજો !
વીરા! તમે દેશ દેશે ભટકો,
ગોતીને એને દેજો મીઠો ઠપકો,
લખ્યો નથી કાગળનો કટકો !
વાહુલિયા હો ધીરા ધીરા વાજો !

- ને પારણાની દોરી હલાવતી માતાનાં પોપચાં નીંદર-ભારે ઢળી પડતાં હતાં. ઝોલાં ખાતી ખાતી એ ગાવું ચાલુ જ રાખતી હતી. નહોતી જાણતી કે જીભ લથડિયાં લ્યે છેઃ