પૃષ્ઠ:Pratimao.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
એ આવશે !
109
 



સૂતી'તી ત્યાં સ્વામી દીઠા સ્વપ્ને,
વહાણે ચડી આવું છું કહેતા મને.
વાહુલિયા! વધામણી દઉં તમને –
- વાહુલિયા હો ધીરા ધીરા વાજો !

પારણામાંથી અર્ધનિદ્રિત સ્વરો આવે છે. બા-પા-પા-.

"હાં સૂઈ જા, જો; બાપા આવે છે હો કે! આંખો બીડી જા તો ! કેટલાં બધાં વહાણો લઈને બાપા દરિયામાં ચાલ્યા આવે છે ! ઓહોહો - કંઈક વહાણ - ઓ ચાલ્યાં આવે:

વીરા! તમે મધદરિયે જાજો,
વાલાજીના સઢની દોરી સ્હાજો,
આકળિયા નવ રે જરી થાજો,
- વાહુલિયા હો ધીરા ધીરા વાજો !

"બા-પા-પા-પા.”

હા, જો દરિયાની લેર્યોને હું વીનવું છું હો કે ! સાગરની લેર્યો હો ! બેનડીઓ હો ! ભાઈલાના બાપાને રક્ષા કરીને લાવજો -

બેન્યો મારી, લેર્યો સમુદરની
હળવે હાથે હીંચોળી નાવડલી,
હીંચોળે જેવી બેયને માવડલી -
- વાહુલિયા હો ધીરા ધીરા વાજો !

“બા-પા-પા-પા-પા!"

“હાં સૂઈ જા ! બાપા આવશે. આપણે ઊંઘી ગયાં હશે તો જ આવશે. છાનામાના આવશે. જાગતાં રહીશું તો નહીં આવે હો ! સૂઈ જા ! ક્યારે આવશે, ખબર છે? પાછલી રાતે આવશે:

પાછલી રાતે આંખો મળેલી હશે
ધીરી ધીરી સાંકળ રણઝણશે.
બેમાં પે'લી કોને બચી ભરશે?"
- વાહુલિયા હો ધીરા ધીરા વાજો !"