પૃષ્ઠ:Pratimao.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
110
પ્રતિમાઓ
 

“પહેલી બચી કોને ભરશે? મને કે તને? બોલ જોઉં ! નહીં કહે ! મને નહીં કહે? કહે તો એક વાર –”

નિદ્રાધીન બાળકના પારણા પાસે મા પણ ઢળી પડી

[4]

“અમે તને ઘેર તેડી જવા આવ્યાં છીએ. હવે તું કોની રાહ જોઈને બેઠી છે?”

"દાદાજી, મને ન તેડી જાઓ. એ આવશે.”

“શું કપાળ તારું આવશે? બે વર્ષો ચાલ્યાં ગયાં છતાં યે હજુ તારું ‘આવશે ! આવશે !'નું ગાણું અટકતું નથી?”

ભવાં ચડાવીને ઊકળતા શબ્દો કાઢનાર એ વૃદ્ધ તરફથી વળીને ચુ-ચુ-સેને પોતાની વિધવા માતા તરફ જોયું.

“ત્યાં શું જુએ છે?” વૃદ્ધ બરાડ્યો: “અહીં જો. સાંભળ. એ નહીં આવે.”

"પણ એણે મારી જોડે લગ્ન કર્યા છે. એણે મને કહ્યું છે, કે એના દેશમાં તો ‘મૃત્યુ સુધી હું તને પાળીશ, ચાહીશ ને રક્ષીશ' એવી રીતે પ્રતિજ્ઞાથી પરણાય છે.”

"પાગલ છોકરી ! એના દેશની વાત ભૂલી જા. તમારાં લગ્ન તો આપણા દેશના કાયદા મુજબ કરેલાં હતાં. બે માસનાં કામચલાઉ લગ્ન હતાં એ.”

ચુ-ચુ-સેન થોડી વાર થંભી ગઈ. પછી એ બોલી: “છતાં એ કહીને ગયો છે કે હું આવીશ. એ કંઈ જૂઠું કહે!”

"કપાળ તારું ! ખેર, તું તારે ફાવે તેમ કર. પરંતુ તારી બેવકૂફીનો ભોગ આ છોકરો શા માટે થાય? અમે છોકરાને લઈ જઈએ છીએ.” એમ કહીને વૃદ્ધ ત્યાં બેઠેલ બે વર્ષના બાળક ઉપર હાથ મૂક્યો.

"નહીં, કદી નહીં !" માતાએ છાતી ફાટ ચીસ પાડીઃ “નહીં લઈ જવા દઉં. હું, આ ઘર, આ છોકરો – બધાં એનાં જ છીએ. અમે કોઈ નહીં આવીએ. ન સતાવો. અમને એની વાટ જોવા દો, ઓ દાદાજી ! ઓ બા !