પૃષ્ઠ:Pratimao.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
111
એ આવશે!

અમને ગરીબને ન સંતાપો. અમે તમારું શું બગાડ્યું છે? અમારો માળો ન વીંખી નાખો.”

"સારું પડો ઊંડા દરિયામાં. ઊઠો આપણે સહુ” કહેતો વૃદ્ધ પુરુષ ઊભો થયો. ચુ-ચુ-સેનની મા, એનાં ભાંડુ વગેરે સમસ્ત કુટુંબ ઊઠ્યું. વૃદ્ધે સહુને સંભળાવ્યું: “આજથી આ છોકરી મૂએલી માનજો સહુ.”

એક પછી એક સ્વજન નીચે માથે ત્યાંથી વિદાય થઈ ગયું, ચુ-ચુ-સેનના હાથ પોતાની માને પકડવા માટે જરીક લંબાયા, પાછા ખેંચાઈ ગયા. થોડી વારે જ્યારે એની એકધ્યાન નિઃસ્તબ્ધતા તૂટી ત્યારે એણે જોયું કે આખા સંસારમાં હવે એ બે જણાં રહ્યાં હતાં ને ત્રીજી એક ઘરની ચાકરડી હતી.

બાળક અને ચાકરડી, બેઉ એની સામે તાકી ઊભાં હતાં.

“મને એક વિચાર આવે છે. ચુ-ચુ-સેન આંખોની પાંપણો. મટમટાવતી બોલી; પોતે જાણે કોઈ મહાન શોધ કરી નાખી હોય તેમ એ બોલી: “એ કહી ગયા છે કે ચકલાં માળા નાખશે તે વેળાએ પાછો આવીશ. એ જૂઠું ન કહે. કદાચ એના દેશનાં ચકલાં આપણા દેશનાં ચકલાંની પેઠે વરસોવરસ માળા નહીં ઘાલતાં હોય તો?”

“હા, બા, એ વાત સાચી હો ! એ વિચારવાનું તો આપણે છેક ભૂલી જ ગયેલાં." દાસીએ સૂર પુરાવ્યો.

"હું-હં-હં-હં" ચુ-ચુ-સેન પણ હસી, "કેવાં પણ આપણે ય તે ખરી વાત જ ભૂલી ગયાં ને મનમાં મનમાં હું ય કેવી કૂડી શંકા કરવા લાગી'તી! હં-હ-હં-હં !" ફરી વાર એ હસી.

"ત્યારે હવે શું કરવું, બા? આપણે શી રીતે નક્કી કરશું કે એના દેશમાં ચકલાં ક્યારે માળા નાખે છે?”

“આપણે કોઈક ડાહ્યા માણસોને પૂછી જોઈએ. જો તો, આપણે કેવાં ઉતાવળાં બની ગયાં ! કેવાં અધીરાં ! આપણા મનમાં કેવા પાપી વિચાર આવવા લાગેલો ! એ કદી જૂઠું કહીને જાય જ નહીં.”

આ નવી શોધના હર્ષ-ઉમળકામાં માએ બાળકને તેડી લીધો.