પૃષ્ઠ:Pratimao.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.હાસ્યઃ પહેલું અને છેલ્લું

બેઉ જણાં હસી પડ્યાં.

આગલી સાંજે જ પરણીને બેઉ આનંદ કરવા નીકળ્યાં હતાં. ધમધમાટ વેગે વહી જતી મોટર-બસને ઉપલે માળે બેઉ બેઠાં હતાં. કેશની લટો અને કપડાંના છેડા પવનની લહેરોમાં ફરકતાં હતાં. બસ-ગાડીની અટારી પરથી આકાશ એ બેઉને આજ એટલું નજીક લાગતું હતું કે તારાઓને તોડી લેવાનું મન થાય. ધરતી તો બહુ નીચે રહી ગઈ હતી. બેઉની બગલમાં જાણે પાંખો ફૂટી ઊઠી હોય ને, એવો લગ્નોન્માદ, એવી તાલાવેલી, એવી આકુલતા અને સુખ-લહેર તેઓનાં માથાને ધુણાવતાં હતાં. આકાશનાં કોઈ કડાં સાથે બાંધેલ હીંડોળા ઉપર બેઉ ફંગોળાઈ રહ્યાં હતાં.

લગ્નજીવનના એવા પ્રથમ પ્રભાતે બેઉ હસ્યાં, તેઓને ખૂબ લજ્જત પડી. આવું રમૂજી દ્રશ્ય તેઓએ આજ સુધી કદી ધીરી ધીરીને દીઠું નહોતું. એક બુઢ્ઢો આદમી રસ્તાની પગથી પર ઊભો હતો, એના ગળામાં એક જબ્બર પાટિયું પહેરેલું હતું. મનુષ્યદેહથી બેવડા મોટા એ પાટિયા ઉપર કંઈ કંઈ રંગો પૂરીને કશુંક ચિતરામણ કરેલું હતું. એ ચિતરામણમાં કોઈક શક્તિવર્ધક દવાની જાહેર ખબર ચીતરાયલી હતી. ચોખંડા એ પાટિયાની વચ્ચોવચ પડેલા બાકોરામાંથી આ બુઢા મનુષ્યનું ગળા સુધીનું દેખાતું માથું જાણે કે એ જાહેર ખબરને આકર્ષક બનાવવા માટે પૂરતું ન થતું હોય ને, એટલે બુટૂઢો પોતાના બેઉ છૂટા હાથમાં લોઢાના ત્રણ ગોળ ઉછાળીને લોકોને પોતાના તરફ ખેંચી રહ્યો હતો. ગોળાના એ કરામતભર્યા ઉછાળને કારણે બુઢ્ઢાના કંઠમાં પરોવેલી જાહેર ખબર વધુ વંચાતી હતી. એ બુઢ્ઢો, એ જાહેર ખબરનું પાટિયું,ત્રણ ગોળા, બધાંની મેળવણીમાંથી કેવું હાસ્ય ઊભું થતું હતું !

117