પૃષ્ઠ:Pratimao.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હાસ્ય: પહેલું અને છેલ્લું
121
 

ચીડનું કારણ બની ગઈ. પોતાની અત્યારની આર્થિક સંકડામણનું નિમિત્ત પોતાનું લગ્નજીવન છે, એટલે કે લગ્ન છે, એટલે કે આ સ્ત્રી પોતે જ છે, એવી વિચાર-કડીઓ એના મનમાં જડાતી થઈ. ઉગ્ર બનીને એ થાકેલો અકળાયેલો પાછો કપડાં પહેરવા લાગ્યો.

“ક્યાં ચાલ્યા?" ગરીબડે મોંએ પત્નીએ પૂછ્યું.

“જહન્નમમાં ! એ બધી જ પંચાત ?"

એટલું કહીને પુરુષ બહાર નીકળ્યો. સ્ત્રી અંદરથી બારી ઉપર આવી ઊભી, ચાલ્યા જતા પતિને એણે આટલું જ કહ્યુંઃ "આમ તો જુઓ!”

પુરુષે એક વાર બારી પર દ્રષ્ટિ નાખી. સ્ત્રી કશું બોલી તો નહીં. પણ એનો દેહ જાણે કે બોલતો હતોઃ “તમે એકને નહીં પણ બે જીવને મૂકીને જાઓ છો, યાદ છે?"

પુરુષને સમજ પડી. સ્ત્રીની આંખોની કીકીઓમાંથી, છાતીમાંથી, થોડી થોડી દેખાઈ જતી કમ્મરની ભરાયલી બાજુઓમાંથી કોઈક યાત્રી એમને ઘેર નવ મહિનાની મજલ કરતો ચાલ્યો આવતો હતો.

બેઉનાં મોં સામસામાં સ્થિર બનીને મલકી રહ્યાં. માતૃદેહના રોમ રોમ રૂપી અનંત કેડીઓ પર થઈને જાણે એક બાલ-અતિથિ દોડ્યું આવતું હતું. એના મોંમાંથી 'બા, બાપુ' 'બા, બાપુ’ એવા જાણે અવાજ ઊઠતા. હતા. એની કંકુ-પગલીઓ પડતી આવતી હતી. પતિ પાછો ઘરમાં ગયો. એણે પત્નીને અનંત મૃદુતા અને વહાલપથી પંપાળી. એના માથાની લટ સરખી કરી. પોતે શોષ્યું હતું તેનાથી સાતગણું લોહી પાછું ચૂકવવા મથતો હોય એવી આળપંપાળ કરવા લાગ્યો. પોતે જાતે ચહા કરીને પત્નીને પાઈ. ફરી એક વાર જગતની ભીડાભીડ ભુલાઈ ગઈ. ઑફિસના મહેતાઓ ફરી પાછા એને પોતાના જેવા જ નિર્દોષ મિત્રો દેખાવા લાગ્યા. લેણદારોની પતાવટ એ બીજા નવા લેણદારો નિપજાવીને કરવા લાગ્યો. લોટરીમાં ઈનામનો ખળકો આવી જવાની તકદીરવારીમાં આસ્થા ધરાવનાર કોઈ નિર્ધનની પેઠે આ જુવાનને પણ કોણ જાણે શાથી શ્રદ્ધા આવી કે પત્નીને બાળક અવતરવાથી ભાગ્યચક્રનો આંટો ફરી જશે ! અથવા કોઈક ચમત્કાર