પૃષ્ઠ:Pratimao.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
126
પ્રતિમાઓ
 

દોટમદોટ ઉઘાડે માથે ને પહેરણભેર નીચે જાય છે. નાક પર આંગળી મૂકી, દોડી આવતી મોટરોને, ટ્રામોને, ગાડીઓને, ટોળાને, તમામને એ “સી...ત ! સીત !” એવા ચુપકાર કરતો ગીચ વાહન-વ્યવહાર સોંસરવો દોડી રહ્યો છે. થોડી વાર આ તરફ, તો ઘડી પછી બીજી બાજુ, જ્યાં અવાજ સાંભળે છે ત્યાં એના ડોળા ફાટ્યા રહે છે, ને એનું મોં પોકારે છે: “ચૂ... પ ! ચૂ...પ ! ચૂ....પ ! બચુભાઈને સૂવું છે. બચુભાઈ બીમાર છે. ચૂ...પ !!”

એકાએક એની ગતિ અટકી ગઈ. એને ભાન થયું કે એક કદાવર પોલીસના પંજામાં એનું બાવડું પકડાયું છે.

‘તારો બચુભાઈ બીમાર છે તેથી દુનિયા શું ઊભી થઈ રહેશે, નાદાન?' એટલું કહીને પોલીસે એને એ ચીસાચીસ કરતી યાંત્રિક ભૂતાવળમાંથી બહાર લીધો. એના ઘરને દરવાજે ચડાવી દીધો. પણ એ અંદર ગયો ત્યારે બચુભાઈ બાને ખોળે ચિરનિદ્રામાં પોઢ્યો હતો. દુનિયાને 'ચૂપ' કહેવાની જરૂર હવે નહોતી રહી.

[6]

“તમારા માથામાં શું ભૂસું ભરાયું છે?”

ઑફિસના ઉપરીએ આવીને એટલું કહી એને ચમકાવ્યો. તે વખતે એના ભેજાની અંદર ચીસાચીસ કરતી મોટરગાડીઓ દોડી જતી હતી: બારણામાં ઊભેલો બચુભાઈ પોતાની સામે 'બાપુ ! બાપુ !' કરતો કૂદતો આવતો હતો ને એક મોટર એને હડફેટમાં લઈ સુસવાટ વેગે ચાલી જતી હતી.

“જુઓ આ તમારા કામ કરવાના રંગઢંગ !” કહેતાં ઉપરીએ એના ટેબલ પર બે પત્રકો ધરી દીધાં. એક હતું છ મહિના પહેલાનું એણે પોતે તૈયાર કરેલું પત્રક, જેમાં મોતીના દાણા જેવા, એક પણ છેકછાક વગરના અક્ષરો ઊડાઊડીને આંખે વળગતા હતા.

બીજુ પત્રક આગલી સાંજનું હતું. તેમાં અક્ષરો કીડીમકોડી જેવા હતા. ડાઘા અને છેકાછેકનો પાર નહોતો. સરવાળા-બાદબાકીમાં દોષો હતા. પોતે એ બેઉ પત્રકો નિહાળી રહ્યો. બન્ને એના જ હસ્તાક્ષરોનાં હતાં.