પૃષ્ઠ:Pratimao.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હાસ્ય : પહેલું અને છેલ્લું
127
 


“જોયું? તમારું મગજ હમણાં ક્યાં ભમી રહ્યું છે પગાર તો પહેલી તારીખની સાંજના પાંચ વાગ્યે માગતાં ભૂલી નથી જતા. એમાં તો એક રૂપિયો પણ ઓછો લેવાની ચૂક નથી પડતી.”

યુવાન લમણાં ઝાલીને નીચું માથું ઢાળી રહ્યો. એના માથાની આરપાર મોટરો દોડતી હતી. દરેક મોટર એના બચુને પછાડી ચગદી ચાલી જતી હતી. બચુએ બીજો કશો જ દોષ નહોતો કર્યો. એ તો બાપુની સામે દોડ્યો આવતો હતો ફટાકિયાની સેરો ઝટઝટ ફોડવા માટે.

“થોડા દિવસ મને રજા આપશો, સાહેબ? પરમ દિવસ મારો છોકરી મરી... ”

"આ નહીં ચાલે. તમારો છોકરો મરી ગયો તેથી કઈ દુનિયાનો. વહીવટ નહીં થંભી શકે.”

આ છેવટની તાકીદ કરી જ્યારે ઉપરી આગળ ચાલ્યો ત્યારે કારકુનની આંખોનાં અશ્રુબિંદુઓમાં બચુડો દીકરો 'બાપુ ! બાપુ !' કરતો બોલાવતો હતો.

વળતે દિવસે એ ઑફિસે હાજરી આપી ન શક્યો. ત્રીજે દિવસે એ આવ્યો ત્યારે એની ખુરશી ઉપર એક નવો માણસ બેસી ગયો હતો અને એ જગ્યાની ભરતીમાં નાસીપાસ થયેલા ચાલીસ-પચાસ જણનું ટોળું પેલા સફળ થયેલા જુવાનને ઉદ્દેશીને કંઈક એવા શબ્દો સંભળાવ્યું જતું હતું કે –

"સાલો લાગવગથી ફાવી ગયો !"

"અરે સાલાએ પૂરા પગારની પહોંચ લખીને કશુંક કમિશન મેનેજરને આપવાનું કબૂલ કર્યું હશે.”

"અરે ભાઈ, એને ને મેનેજરની બહેનની છોકરીને મીઠો સંબંધ છે.'

[7]

"ત્યારે તમારે ક્યાંય કામધંધે નથી ચડવું ને?”

"પ્રયત્ન કરું છું.”

"મારા ભાઈઓની દુકાને બેસતાં તમને શો વાંધો છે?”

“તારા પિયરના આશ્રિત મારે નથી બનવું.”