પૃષ્ઠ:Pratimao.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જીવન-પ્રદીપ

ભૈરવીના આલાપ શરૂ કરતી ગાયિકાના ગળામાં જેમ એકાદ માખી પેસી જાય, પૂર્ણિમાના રાસ ચગાવવા શણગાર સજતી સુંદરીઓના ઉલ્લાસને વરસાદની ઓચિંતી ઝડી ધૂળ મેળવી નાખે, અથવા તો, રસિયાં જનોની ભાષામાંથી ઉપમા શોધીએ તો, ચુંબન ચોડવા જતાં મોંમાં અકસ્માત છીંક આવી પડેઃ એવા જ પ્રકારની ખાનાખરાબી તે દિવસના મંગલ પ્રભાતે એ નગરના મહાન એક ઉત્સવમાં એક રખડેલ આદમીએ કરી નાખી.

ઉત્સવ હતો એક સ્મારક-ક્રિયાનો. નગરના ચોકમાં ભવ્ય ત્રણ બાવલાં ખુલ્લાં મુકાવાનાં હતાં. સારું યે શહેર ત્યાં ઠલવાઈ ગયું હતું. ઊમટી આવેલા માનવસાગરની વચ્ચોવચ પચાસેક ફૂટની ઊંચી એક બેઠક ઉપર સંગેમરમરની ત્રણ પ્રતિમાઓ ઊભી કરવામાં આવી હતી. એક શાંતિની પ્રતિમા, બીજી સમૃદ્ધિની, ને ત્રીજી સ્વાધીનતાની. એના ઉપર ઓઢાડી રાખેલ બૂંગણની દોરી ખેંચવાની તૈયારી હતી. એક પછી એક એમ ત્રણ ધનપતિઓએ ઊંચી વ્યાસપીઠ પર ચડીને આ ભવ્ય અવસરને છાજતાં ભાષણો આપ્યાં. જે બાનુના મુબારક હસ્તે આ ઉદ્દઘાટન-ક્રિયા કરાવવાની હતી તેમણે પણ લળી લળી, મોંના વિધવિધ મલકાટ સાથે પોતાના અહોભાગ્ય માટે આભારની વાણી સંભળાવી. પ્રતિમાઓ બંધાવનાર સજ્જનોએ ઘોષણા કરી કે 'આ નગરને આ ત્રિમૂર્તિ અર્પણ કરીને અમે કૃતાર્થ થઈએ છીએ', અને પછી હજારો પ્રજાજનોના તાળી-ગગટાડ વચ્ચે જે વેળા એ બાનુના મુબારક હસ્તે ખેંચાતી હર-દોરીએ પેલું ગંજાવર બૂંગણ ઊંચે ઉપાડ્યું ત્યારે – હાય ! એ વચલી, સમૃદ્ધિની પ્રતિમાના આલેશાન ખોળાની અંદર એક મનુષ્ય ઘસઘસાટ ઘોરતો પડ્યો હતો. તેને દેખી આખી

131