પૃષ્ઠ:Pratimao.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
132
પ્રતિમાઓ
 

મેદનીનાં ઊજળાં હાસ્ય અર્ધા ઊઘડીને ભાંગી ગયાં. શી ક્રૂર હાંસી વિધાતાની ! દેશની સમૃદ્ધિના આરસપૂતળાને ખોળે એક ચીંથરેહાલ, બદસિકલ, બોકો, બેકાર માનવી ! ટૂંટિયાં વાળીને ઘોરતો પડ્યો છે. અબઘડી જાણે કે એ મહિમા, પ્રતાપ અને ઇતિહાસી ગૌરવથી મંડિત પ્રતિમા સળવળી ઊઠશે અને આ અપશુકન દેનાર પામરને પોતાના પંજામાં ઉઠાવીને ગરોળીની પેઠે ચેપી દઈ, લટકાવી, ફગાવી દેશે !

રાતની કડકડતી ટાઢમાં ઓઢણ-પાગરણ વગર ભટકતો આ મનુષ્ય કશા ય વિચાર વગર એ ભૂંગણ નીચે પસીને પ્રતિમા–સુંદરીના ખોળામાં પોઢી ગયો હતો ! મીઠી હૂંફ વળી ગઈ હતી. તડકા ચડી ગયા હતા છતાં જાગવાની કશી જરૂર માની નહીં હોય. પણ ભૂંગણ ઊપડી ગયું, પવનનો સુસવાટો વાયો, અને ખીજેલા લોકોએ નીચે ઊભીને સંભળાવેલી ગાળો એને કાને પડી, ત્યારે એની આંખો ઊઘડી, એ ઊઠ્યો.

પ્રથમ તો એણે માન્યું કે આ એકત્ર થયેલ મેદની એને પોતાને જ કશુંક આપી રહી છે. એવી સમજણથી એણે પણ સહુને સલામ કરી. સલામો એણે એક ગૌરવશાળી અગ્રેસરની છટાથી ઝીલી. પણ એણે જોયું કે સલામો કરનારા લોકોના હાથ એની સામે તો મુકીઓ ઉગામી રહ્યા છે. આ તે મુક્કીઓ છે કે સલામો છે, એ સમસ્યા ન સમજાયાથી એણે લોકોની સામે કંઈક સવાલો કર્યા. પરંતુ લોકો એનો શબ્દ ન સાંભળી શકે, કે ન તો પોતે લોકોના બબડાટ સમજી શકે, એટલી બધી ઊંચાઈ ઉપર એનું બિછાનું હતું.

પછી પોતે ઊંચે નજર કરી ત્યારે એને સૂઝ પડી કે પોતે કોઈક સુંદરીની ગંજાવર પ્રતિમાની છાયામાં ઊભો છે.

પણ પ્રતિમા એટલી તો હૂબહૂ હતી, કે આ બેકાર એને જીવતી સમજીને એની બેઅદબી બદલ ક્ષમા માગતો માગતો શરમિંદો બનીને એના ઉન્નત ખોળામાંથી નીચે ઊતર્યો. પણ અર્ધે ઊતરતાં જ એને લાગ્યું કે એની પીઠ પરના લેંઘામાં કશુંક પરોવાઈ ગયું છે. જાણે એને કોઈએ પરોવીને અધ્ધરથી જ ઊંચે ટાંગી દીધો છે. જાણે પોતે કોઈક ખીંટી ઉપર ટીંગાઈ