પૃષ્ઠ:Pratimao.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
134
પ્રતિમાઓ
 

પછી એ સુંદરીઓના ચહેરાને ફૂંગરાતા દેખી અચરજમાં પડી જતો. પોતાની ભૂલ એને સમજાતી નહીં. સુંદરીઓનો પ્યાર શું આટલો બધો અચોક્કસ હશે ! કે શું એ રોષ-ભ્રૂકુટિ પણ પ્યારની જ છૂપી સંકેત-ભાષા હશે ? આટલી બધી ચાલી જાય છે. તેમાંની પ્રત્યેક શું એના વહાલને એકલે જ હાથે કબજે કરી રાખવાની સ્વાર્થી લાગણીને કારણે ઇર્ષ્યાથી એકદમ ગુસ્સે થતી હશે શું ? પ્રણયની દુનિયા, અહો, કેટલી બધી વિકટ, નિગૂઢ, ને ભીડાભીડથી ભરેલી ! મારા રૂપ અને યૌવન માટે કેટલી ઝૂંટાઝૂંટ ! હું કોને સ્વીકારું ને કોને તરછોડું !

આ ગંભીર સમસ્યા વિચારતો એ થોડે થોડે ચાલીને પાછો પોતાની પ્રિય જ્યેષ્ટિકાને ટેકે થંભી જતો. કદાચ સર્જનહારને એ ઠપકો પણ દેતો હશે કે મને તેં આવડું બધું રૂપ શીદને પહેરાવ્યું, અભાગિયા !

[3]

નાની-શી ટોપલીમાં થોડાંક ફૂલો લઈને એક જુવાન છોકરી રસ્તા પરને એક ઓટે રોજ બેસે છે. બેઠી બેઠી ધીરે અવાજે બોલ્યા કરે છેઃ “ગુલાબનાં ફૂલ લેશો, શેઠ ? આ ગુલાબનાં ફૂલ લેશો કોઈ ? આ તાજાં ગુલાબનાં ફૂલ!”

ઠબ ઠબ જ્યેષ્ટિકા કરતો રઝળુ નીકળ્યો, તેને કાને પણ ધ્વનિ પડ્યો: “આ ગુલાબ લેશો, શેઠજી ?"

પોતે ઊભો રહ્યો. આસપાસ જોયું. બીજો કોઈ આદમી ત્યાં નહોતો. ત્યારે આ ફૂલવાળીએ કોને કહ્યું 'શેઠજી' ?

આગળ ચાલ્યો. માલણનું મોં એના તરફ વળ્યું. અવાજ આવ્યો : "શેઠજી, આ ગુલાબ લેશો ?"

ફરી વાર એણે ચોગમ નજર કરી. ખાતરી થઈ કે 'શેઠજી' શબ્દ વડે સંબોધાનાર એ પોતે જ હતો.

રાંડ ફૂલવાળી શું ઠેકડી કરતી હતી ? મારા આવા દીદાર દેખાતી છતાં મને 'શેઠજી' શીદ કહેતી હશે ? લાકડીને દમામભેર ભોંય ઉપર પછાડી એ રાતો પીળો બનીને છોકરી તરફ ફર્યો.