પૃષ્ઠ:Pratimao.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
136
પ્રતિમાઓ
 

કરાવ્યો, શેઠજી! નસીબદાર માણસને અત્યારના પો'રમાં –"

ત્યાં તો મુફલિસ જાણે પાણી પાણી બની ગયો. એને ઓચિંતો એક ભાવ સ્ફુરી ઊઠયો. ફાટેલાં ખાસડાં જરીકે ખખડાટ ન કરે તે માટે પગમાંથી કાઢીને હાથમાં લીધાં. બિલ્લીપગલે એ પાછો પાછો ગયો. દૂર જઈને પછી એક ઓથ લઈને ઊભો રહ્યો. ઊભાં ઊભાં ચેષ્ટા નિહાળી. આંધળી માલણ હજુ જાણે સામે જ ઊભેલા શેઠજીની સામે પાવલી રાખીને વાતો કરતી હતી કે ‘તમને બહુ ઊભા રાખ્યા. આ લ્યો આ પાવલી. સાટે કાલે છૂટો પૈસો આપી જજો. હું તો રોજ અહીં જ બેસું છું. આ લ્યો, તમે કયાં ચોર છો ? તમારો પૈસો ખોટો થાય નહીં. આ લ્યો !'

આંધળી માલણ ! તેં પાવલી આપવા લંબાવેલો હાથ તો હવામાં જ રહી ગયો ! સામો હાથ ધરનાર ત્યાં નહોતો – હતો છતાં નહોતો ! પાવલી તારી પાસે જ રહી. તું શાને વિચારે ચડી? કેમ ચમકી ઊઠી ? પાવલી તો તારા હાથમાં છે છતાં તને જ જાણે કોઈક છેતરી ગયું હોય એવા ભાવ તારા મોં ઉપર શીદ ફૂટી નીકળ્યા ! આમ કયાં સુધી તે પાવલી આપતી જ બેસી રહીશ ?

રાજી રાજી થતો. મુફલિસ ચાલ્યો ગયો. તે દિવસના પ્રભાતનું ભૂખ્યું જઠર એણે ગુલાબની ખુશબો વડે ભરી લીધું. પોતે એક આંધળી માલણ પાસે 'શેઠજી' બની આવ્યો, એવો સંતોષ એના મોંને એકલું એકલું, બસ, હસાવતો જ રહ્યો.

[4]

અંધારી રાત અને ઊંડી નદીનો નિર્જન આરોઃ સુખી માણસને પણ આપઘાતના મનસૂબા કરાવે. એવું એ સ્થળ અને એનો એ સમય લક્ષ્મીની છાકમછોળ વચ્ચે આકુલ બનેલો. એક ધનિક સુરાપાનના નશામાં ત્યાં આવી ઊભો, અને શૂન્ય જીવનને જળમાં પધરાવવા સારુ એણે ગળામાં એક રસી નાખી. રસીને બીજે છેડે એણે એક મોટો પથ્થર બાંધ્યો. એને સ્ત્રી ત્યજી ગઈ હશે. બાળકો નહોતાં. હતી કેવળ દોલત. દોલત એની છાતીએ ચડીને એને ગૂંગળાવતી હતી. દોલતે એને ગાંડપણ દીધું હતું. સુધરાઈ ખાતાના