પૃષ્ઠ:Pratimao.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જનેતાનું પાપ


'સાચેસાચ તું મને હમેશાં ચાહીશ ?'

'સાત જન્મો સુધી.'

સ્ત્રી-હૃદયનો આ સનાતન પ્રશ્નઃ અને પુરુષની જીભનો આ નિત્ય નવીન હાજરજવાબઃ ને પછી એક ગાઢ આલિંગન, એક માતેલું ચુંબનઃ એવી ઇંદ્રજાળ વડે જગતભરની જુવાની પોતાના સંસારનું મંગલાચરણ કરે છે. અને પછી ?... પછી જોતજોતામાં તો આલિંગનની જગ્યાએ અસ્થિપિંજરો ઊભાં થાય છે અને ચુંબનોએ મઢેલા એ ગાલોમાં ઊંડી ખાઈઓ ખોદાય છે.

'તું મને નિરંતર ચાહીશ ?' – 'સાત સાત જન્મો સુધી.'

એ જ કોલ વડે એક દિવસ બે જુવાનિયાંનાં જીવતર જોડાયાં. દેશાવરથી ભણવા આવેલો એક જુવાન એક મુગ્ધ કન્યાને એના બાપના ઘરની પાછલી બારીએથી કુદાવીને એ ગંજાવર શહેરના છેટા લત્તામાં લઈ ગયો. પોતે ચિત્રકાર હતો, એટલે પેટગુજારાને માટે સ્ટુડીઓ ઉઘાડ્યો. પતિનું દોરેલ એક ચિત્ર ગોઠવીને એ ચિત્રકાર-પત્ની બેઠી હતી. કલાના ખેરખ્વાહ કૈંક ધનપતિઓ આ શહેરમાં વસે છે અને અનેક ચિત્રના હજારો રૂપિયા ચૂકવી જાય છે એવું એ સ્ત્રીએ સાંભળ્યું હતું. એવા એકાદનું આગમન રટ્યા કરતાં આ બન્ને જણાં લગભગ અરધાં ભૂખ્યાં ઊંઘી જતાં. લાંબી નિદ્રા ભૂખ્યાં જઠરની આગ ઉપર રાખના ભારણ સમી ઉપકારક નીવડતી.

એક દિવસ એ સ્ત્રીને થયું કે જાણે ઝાઝા દિવસની પ્રાર્થના ફળી છે. ઝૂકીઝૂકીને હાસ્યભર્યે મોંએ એણે એક દિવસ એક કલાપોષક કોટ્યાધિપતિનું સન્માન કર્યું. જેનું તળિયું હાથ ન લાગે એવા ઊંડા કુંભ