પૃષ્ઠ:Pratimao.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
138
પ્રતિમાઓ
 

જરા વિશેષ ઊછળી પડે છે. 'ભાઈ ! દોસ્ત ! મારા દિલજાની !' એવાં સંબોધનો દેતો એ શ્રીમંત આ મુફલિસને કંઠે ભેટી પડ્યો. ને પોતાની જોડે બંગલા પર આવવા વિનંતી કરી.

મુફલિસને છેક પુલ ઉપર ગયા પછી યાદ આવ્યું કે પ્રભાતે ખરીદેલું એનું ગુલાબ તો નીચે બાંકડા પર પડ્યું રહ્યું હતું. એણે પાછા જઈને ગુલાબ લઈ લીધું. પંદર-સોળ કલાક સુધી સૂંઘીસૂંઘીને છેક ચૂસી નાખેલું ફૂલ હજુ પણ જતું કરવાનું એનું દિલ નહોતું. એની ચીમળાયેલી પાંદડીઓમાં એક કંઠની માધુરી ભરી હતી. મુફલિસની એ વેવલાઈ કવિની કવિતા જેવી બની ગઈ હતી.

'દિલજાની ! અય દિલજાની દોસ્ત !' કહી કહી, આ નવા મિત્રને કંઠે હાથ નાખી શ્રીમંતે પોતાના ઘરમાં ઠીક ઠીક દારૂ ઢીંચ્યો. બેઉ જણાએ નૃત્યાલયમાં જઈ રંગરાગ માણ્યો, ને પ્રભાતે જે વેળા ધનવાન મિત્રને એની મોટરમાં નાખી, અગાઉ કોઈક વખતનો શોફર આ મુફલિસ એને ઘેર લઈ આવ્યો, ત્યારે એણે હાથમાં ફૂલછાબ લઈને વેચવા જતી પેલી આંધળી માલણને દીઠી. એની છાબમાં ગુલાબની બે મોટી મોટી ગેંદો હતી. ધનપતિ અંદર ગયો એટલે પોતે માલણ તરફ દોડ્યો.

"ફૂલવાળી !”

“તમે ગઈકાલવાળા શેઠ?” આંધળીએ અવાજ ઓળખ્યો: “અરે શેઠ, તમે પાવલી આપીને કયાં ચાલ્યા ગયા'તા?”

“કંઈ ફિકર નહીં. એવી પાવલી તો મારે ઘેર રોજ સંજવારીમાં વળાય છે."

"લ્યો આજનું ફૂલ.” માલણે સ્પર્શની આંખો વડે તપાસીને શુક્ર બૃહસ્પતિના મોટા તારા જેવડું ગુલાબ કાઢ્યું.

મુફલિસે ગજવાં તપાસ્યાં. દમડી પણ નહોતી. “રહે, ઊભી રહે. હું આવું છું.” કહેતો એ પોતાના લક્ષ્મીવંત દોસ્તના ઘરમાં પેઠો. દોસ્ત હજુ દારૂના નશામાંથી છૂટો નહોતો થયો ત્યાં સુધી દોસ્ત જ હતો. કહ્યું: “દોસ્ત, તમારા સારુ સુંદર ફૂલો લાવું. થોડા પૈસા આપો.”