પૃષ્ઠ:Pratimao.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
140
પ્રતિમાઓ
 

કરવો પડશે તને. હવે શેઠને દારૂ ઊતરી ગયો છે.”

આખી રાત શેઠનો દિલજાની બનીને બંગલાના ચાકરોની સલામો ઝીલનાર મુફલિસ એ પ્રભાતે બંગલામાં પેસવાના ત્રણ વારના પ્રયત્નોમાં નોકરોના હડસેલા પામીને ફૂટપાથ પર પટકાયો. પછી એના અંત:કરણની કળ ઘણી વારે ઊતરી, ત્યારે એને સમજણ પડી કે પોતે શેઠસાહેબનો દિલજાની નહોતો, પણ દારૂનો દિલજાની હતો, ધનપતિનું એક રાત્રિનું રમકડું હતો.

એને પહેરાવેલા નવા પોશાક પણ નોકરોએ ઉતારી લીધા. એ જ જયેષ્ટિકા, ફાટેલો એ જ લેંઘો, અને એ જ ગાભા ગાભા થઈ ગયેલું કૂડતું એનાં સંગાથી રહ્યાં. કોઈ તત્ત્વવેત્તાના દમામથી એણે રસ્તા પર પગલાં ભર્યા. અને માલિકનો એણે અહેસાન માન્યો કે ઓ પ્રભુ, પેલી માલણને તેં અંધી બનાવી છે તે ઠીક કર્યું છે. નહીં તો હું એની સમક્ષ ફરી શી રીતે ઊભી શકત!

[5]

આંધળી માલણ જ્યાં રોજ ફૂલો વેચવા બેસતી તે ઓટા પર જવાની અને ત્યાં પોતાનો શેઠ-પાઠ ભજવવાની તો હવે મુફલિસને આદત જ પડી ગઈ છે. ત્યાં જઈને ગુલાબ લીધા વગર એને કશો ધંધો-મજૂરી સૂઝતાં જ નથી. એકાદ-બે કલાકની મજૂરીમાંથી બે આના એ રળી લ્યે છે. એકાદ આનાના દાળિયાધાણી ખાઈને એક આનો રોજ ફૂલનો આપે છે. આખો દિવસ ગુલાબને ચૂસીચૂસીને સૂંધ્યા કરે છે. રાત્રિએ સૂએ છે પેલા આપઘાતિયા નદી-ઘાટને બાંકડે. હમણાં હમણાં એની શાન્તિમાં ભંગ પાડવા ત્યાં કોઈ આવતું નથી.

પણ છેલ્લા બે દિવસથી ઓટો ખાલી પડ્યો રહે છે. આંધળી દેખાતી નથી. બેઠક બદલી તો નહીં હોય? મુફલિસ આખા નગરમાં ભમી વળ્યો. ક્યાંય આંધળી ફૂલવાળીને દીઠી નહીં.

એને ઘેર ગયો. એના મેડાની પાછલી બારીએ એઠવાડની એક કોઠી ઉપર ચડીને એણે અંદર ડોકિયું કર્યું. આંધળી ફૂલવાળી ગોદડાના ગાભામાં