પૃષ્ઠ:Pratimao.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
4
પ્રતિમાઓ
 

જેવી એના પેટની ફાંદ હતી. શરીરના બોજાએ ફરજિયાત ગૌરવશીલ બનાવેલી એની ગજગતિ હતી. બેમાંથી એક આંખ ખોટી હોવા છતાં તેના ઉપર ચઢાવેલું ઝૂલતી દોરીનું ચશ્મું એવો ભાસ કરાવતું કે કલાકૃતિઓનું અતિ ઝીણવટભર્યું નિરીક્ષણ કરવાને માટે ટેવાયેલી એ આંખ છે. કલાકારની આશાભરી પત્ની એ ધનપતિને પતિના દોરેલા ચિત્રની સામે લઈ ગઈ.

"આ શું ? આવું, ન ઘોડો કે ન ગધેડો, એવું જનાવર શું દોર્યું છે આમાં ?” એમ કહીને જ્યારે આ કાણિયા કલાપોષકે પોતાના હાથની સોટીની અણી વડે પોતાને અરુચિકર લાગતો ચિત્રભાગ બતાવવા હાથ ચલાવ્યો, ત્યારે કલાકારની સ્ત્રીએ વખતસર એ સોટીને વારી લઈને કહ્યું: "માફ કરજો, શેઠસાહેબ ! ચિત્ર ખરાબ થશે.”

એમ એક વાર, બે વાર, ને ત્રીજી વાર જ્યારે આ કલાભ્યાસી ક્રોડપતિની સોટીને તરછોડવામાં આવી, ત્યારે એને બહુ મોટું અપમાન લાગ્યું. એ અપમાન પણ એક નાદાન સ્ત્રીને હાથે થયું હોવાથી વિશેષ વસમું લાગ્યું. વધારામાં જ્યારે આ સ્ત્રીએ કહ્યું કે ‘સોટી ઘોંચીને ચિત્ર જોવા આવ્યા છો, શેઠ ! આંખ તો ઘરાણે મૂકી છે, ને ચિત્રકલાના પારખુ થાઓ છો !” – એમ કહ્યું ત્યારે એ કલોત્તેજક લક્ષ્મીનંદન પગ પછાડીને ચાલ્યો ગયો.

હજારો રૂપિયા મળવાની ધારણા રાખી બેઠેલ એ સ્ત્રીને આ હતાશાની અંદર એક મનુષ્યના અમીમય હાસ્યનો અજવાસ દેખાયો: એ માણસ પેલા કલારસિક શેઠિયાની જોડે આવ્યો હતો. એ ઉમ્મરમાં લગભગ બુઢ્ઢો હતો. જે વેળા એ ગયો, ત્યારે બારણું વાસતો વાસતો એક સૂચક સ્મિત પાથરતો એટલું સંભળાવતો ગયો કે ‘ચિત્ર ખરે જ સુંદર છે !'

[2]

“શું કરું, વહાલી ! લાચાર છું. મારે જવું પડે છે. પણ હું પાછો જલદી આવીશ.”

એ હોય છે જીવન-નાટકના બીજા અંકનું ઊઘડતું વાક્ય. એ વાક્ય બોલી, રહ્યો સહ્યો જે કંઈ રસ હતો તેને આખરી આલિંગન-ચુંબનની વિદાય-વિધિમાં બિંદુએ બિંદુ નિચોવી નાખી, આ પરદેશી જુવાન પોતાના વતનના