પૃષ્ઠ:Pratimao.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
150
પ્રતિમાઓ
 

સાંભળીને મુફલિસ ખસિયાણો પડી ગયો. એના મોં પરની વેવલાઈમાં કરુણતા ભળી. એના ફૂલમાંથી પાંખડીઓ ખરતી હતી. એ જોતો હતો પેલી બે આંખોને. શું એ આંખો ભાળે છે?

એક પછી એક એના ફૂલની બધી જ પાંખડીઓ ખરી પડી. મુફલિસના હાથમાં માત્ર સળી જ બાકી રહી છે, છતાં હજુ એ સૂંઘતો અટકતો નથી. એનું જોવાનું હજુ પૂરું થયું નથી. ભોંઠામણ, હર્ષોન્માદ અને કૌતુકની ઊર્મિઓ એના ચહેરા પર એકઠી મળી છે.

“તારે ફૂલ જોઈએ છે, અલ્યા !” ફૂલવાળીએ એના સામે અનુકમ્પિત દ્રષ્ટિ કરી: “તું તો બહુ ફૂલનો શોખીન જણાય છે, અલ્યા ! લે હવે એ સળી નાખી દે, ને આ લે આ તાજું ગુલાબ !” - દિવસોનો ક્ષુધાતુર જેમ રોટલાનો ટુકડો પકડવા હાથ લંબાવે તેટલી અધીરાઈથી એણે ફૂલ લેવા હાથ લંબાવ્યો. પણ પાછો ખંચકાયો. હાથ એણે પાછો ખેંચ્યો.

"લે, લે અલ્યા, હું તને ટગવતી નથી, સાચેસાચ ફૂલ આપું છું.”

ફૂલ લઈને એ ઊભો થઈ રહ્યો. હજુ એની મીટ ફૂલવાળીના મોં પરથી ઊખડતી નથી.

“કેમ હજુ ઊભો છે, અલ્યા? તું ભૂખ્યો છે? પૈસો જોઈએ છે તારે? આ લે પૈસો.”

ફૂલવાળીએ પૈસો આપવા હાથ લંબાવ્યો. એ દેખીને મુફલિસ પોતાને જાણે કોઈ અંગારા ચાંપવા આવતું હોય તેવા ત્રાસથી પાછો હટ્યો. દૂર જઈને ઊભો રહ્યો. એની આંખોમાં જાણે બે દીવા બળતા હતા.

“કેમ? કેમ નાઠો, અલ્યા? આ લે પૈસો, સાચે જ પૈસો આપું છું.” એમ કહેતી એ ઊભી થઈ. લપાઈએ ઊભેલા મુફલિસને તો આ હાંસીની હદ થઈ ગઈ. એ ઊભો હતો ત્યાં જ થીજી ગયો. એને જાણે કોઈ સોટા મારવા ચાલ્યું આવે છે.

“આ લે પૈસો.”

મુફલિસે હાથ સંકોડી લીધા. ફૂલવાળીએ એનો હાથ પકડીને