પૃષ્ઠ:Pratimao.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મવાલી

ગગાડીનો વેગ ધીમો પડ્યો. સેંટ્રલ જેલની અજગર સરખી લાંબી કાળી દીવાલ દેખાવા લાગી. એક ડબામાં ગુલતાન કરતો એક જુવાન હતો. એનો હાથ જો એક પોલીસના હાથ જોડે હાથકડીમાં ન બંધાયેલો હોત તો કોઈ એને કેદી ન માની શકત. એને વીંટળાઈને બેઠેલા ચાર-પાંચ દોસ્તો એની પીઠ થાબડતા હતા. કોઈ એને કલેજે હાથ દેતો હતો. કોઈ એના માથા પર હાથ ફેરવતો હતો. 'ખરો બહાદુર!' 'વીર પુરુષ' 'કોમને ખાતર !' એવા ધ્વનિ દોસ્તોનાં મોંમાંથી ઊઠતા હતા.

“આ જેલની અંદર તારે માટે હું મહેલ ખડો કરી દઈશ, દોસ્ત !” મિત્રો માંહેલો મુખ્ય આદમી કેદીને હિંમત દેતો હતો: “જેલવાલા તો સાલા કુત્તા છે કુત્તા ! એનાં મોઢાં તો હું ફાટફાટ ભરી દઈશ. મારા તમામ પૈસા તારા પર કુરબાન છે, દોસ્ત ! તારી શહીદીથી તો કોમ તાજુબ થઈ ગઈ છે."

કેદીના ચહેરા પર આ સાંભળીને ચમક ઊપડતી હતી. એણે શહીદી કરી હતી - પોતાની સામી કોમના એક રાજદ્વારી અગ્રેસર ઉપર, ચૂંટણીને આગલે દિવસે છૂરીથી હુમલો કરવાની. એની સાથે આવનાર આ પૈસાદાર ‘દોસ્ત' કોમી રાજદ્વારી પક્ષનો નામચીન આગેવાન હતો.

"અને દોસ્ત, તું જોજે તો ખરો !” એણે વધુ હિંમત આપીઃ “ઠેઠ ધારાસભા સુધી પૈસા પાથરીને તારી સજા રદ કરાવીશ હું.”

સ્ટેશન આવ્યું. આ મહાન શહીદના માનમાં વાવટા ફરકાવતાં લોકોનાં ટોળાં ઊતરી પડ્યાં. 'કોમી વીરની જય !' 'જય !' 'જય !' એ ધ્વનિ કેદખાનાના ગઢની છાતી પર પછડાયા.

152