પૃષ્ઠ:Pratimao.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
154
પ્રતિમાઓ
 

પક્ષની લાગવગથી ટિપાઈ ગયો છે. એની સંભાળ રાખશો ને? મહેનત-મજૂરી ન કરાવતા, સમજ્યા કે?"

"અહીં આવો.” વૉર્ડને નવા આવનાર કેદીની સાથે શહેરમાંથી મોકલાયેલો રિપોર્ટ ઉખેળીને કહ્યું: “જુઓ, આમાં શું લખાઈ આવ્યું છે તે સાંભળો ! કેદીએ કાચી જેલમાં જેલરને માર્યો. અદાલતમાં માજીસ્ટ્રેટ પર સોડાની બાટલી ફેંકી. સબ-જેલમાં સંત્રી ઉપર જોડાનો ઘા કર્યો. એને સાત વરસની સખત ટીપ છે. માજીસ્ટ્રેટે કડક ચેતવણી લખી છે. છતાં તમે કહો છો કે એને મારે મુલાયમ રખાવટ આપવી ?"

"અરે, મારા યાર !” કોમનો આગેવાન હસી પડ્યો: “માજીસ્ટ્રેટ તો બધું લખે. અહીં જેલની અંદર કોણ જોવા બેઠું છે ! તમે તમારું કામ કરો, અમે અમારું કામ કરીએ ! તમારે પણ, યાર, બેઉ બાજુ પીઠ થોડી છે ? એક બાજુ પીઠ છે, બીજી બાજુ પેટ છે; પેટ તો સહુને પૂરવાનું જ છે ને !” બોલતાં બોલતાં એણે સો-સો રૂપિયાની પાંચ નોટો વૉર્ડનના ટેબલ પર ધરી દીધી, ને ઉમેર્યું: “આજકાલ સમય બહુ બારીક છે, વૉર્ડન સાહેબ ! સમય બહુ બારીક છે, હેં-હેં-હેં-હેં !”

“હેં-હેં-હેં-હેં" જેલનો વોર્ડન પણ હસવા લાગ્યો. પાંચસો રૂપિયાની નોટો વૉર્ડનના જમણા હાથમાંથી ડાબા હાથમાં ચાલી ગઈ. એને ડાબે પડખે, શિયાળાની ઠંડી હોવાથી, એક સગડી બળતી હતી. એ સગડીના તાપ તરફ એનો ડાબો હાથ લાંબો થયો. 'હેં-હેં-હેં-હેં' એણે ફરીથી હાસ્ય કર્યું અને સગડીના અગ્નિમાંથી છલંગ મારીને જવાલાએ પાંચેય નોટોને પોતાની જીભમાં પકડી. 'હેં-હેં-હેં-હેં' વૉર્ડને હાસ્ય કર્યું. એ હાસ્યમાંથી પણ જવાલાઓ ઊઠી. એ જવાલાઓએ સામે ઊભેલ કોમી અગ્રેસરના હાસ્યને ખાક કરી નાખ્યું. એણે ચમકીને પૂછ્યું: “અરે, અરે, વોર્ડન, આ શું કરો છો ?"

"શું કરું છું !” વૉર્ડનના પહોળા મોં પર સખત કરચલીઓ વળી ગઈ. “મને, મારી નેકીને, ખરીદવા આવ્યા છો ? જેલની દીવાલોની અંદર કોઈ આંખો જોતી નથી, માટે મારા આત્માની આંખને પણ ફોડી નાખવા