પૃષ્ઠ:Pratimao.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મવાલી
155
 

આવ્યા છો ? તમે રાજદ્વારી કોમી લડાઈઓના કાળા પડછાયા અહીં પણ પાડવા માગો છો ?”

“એટલે ?”

“એટલે ! ન સમજ્યા ? તો સમજો, કે અહીં રંક કે રાય, શહીદ કે ચોર, આગેવાન કે અદના ઈન્સાન, સહુ સરખા છે. સહુને નિયમમાં રહેવાનું છે, સહુને એના વર્તાવ મુજબ રાહત કે સખતાઈ મળશે. જ્યાદે કે કમી કોઈને નહીં મળે, સમજ્યા ?”

“સમજ્યો.” આગેવાને દાંત પીસ્યાઃ “પસ્તાશો. બુઢ્ઢા થયા છો.”

“બુઢ્ઢો થયો છું માટે જ માર્ગ બદલવા નથી માગતો. પસ્તાઈશ તો માલિકની વધુ નજીક આવીશ. જાઓ.”

“હું કોણ –”

“તે મને ખબર પડી ગઈ છે. પધારો.”

કોમી આગેવાનને વિદાય દેતું બારણું પણ અફળાઈને જાણે કે બોલ્યું: 'જાઓ.’

[2]

નવા કેદીઓ કપડાં બદલતાં હતા. જેલ-કપડાંની પોતાને મળેલી જોડને શરીર પર સરખી કરવા મથતો એ જુવાન વિચારમાં પડ્યો હતો, કે આવાં કોથળા જેવાં કૂડતું-પાયજામો પોતાને શા ઈરાદાથી આપવામાં આવેલ હશે ! પોતાના જેવા બે જુવાનો સમાઈ જાય એવાં એ પહોળાં હતાં. પોતાના પાતળા સોટા સરખા બદનની આવી બેહાલી એણે જિંદગીમાં પહેલી જ વાર દેખી.

“એ હેઈ ! એ સિપાઈ” એણે પાસે ઊભેલા જેલ-વોર્ડરને બોલાવ્યો. ફરી વાર બૂમ પાડી, ફરીફરી સાદ પાડ્યા છતાં જેલ-વૉર્ડરે ધ્યાન ન આપ્યું એટલે એણે વોર્ડરનો ખભો પકડીને પોતાના તરફ ફેરવ્યો. કહ્યું: “આમ નિગાહ તો કર. આવા કોથળા શું મારે પહેરવાના છે ? હું કોણ છું એ તને હજુ ખબર નથી ? તને વૉર્ડને હજુ કંઈ કહ્યું જ નથી, કુત્તા !”

પલકમાં તો એની અને વૉર્ડરની વચ્ચે ખૂનખાર ટપાટપી લાગી પડી.