પૃષ્ઠ:Pratimao.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મવાલી
157
 

છે. એક હજાર મોંના ધ્રૂજતા દાંતમાંથી ડાકલી વાગે છે.

કોટડીના બારણા પર આવીને દરોગાએ કહ્યું: “કાં જુવાન, તારે માટે વૉર્ડન સાહેબે છૂટી આપી છે. જેલ-કપડાં પહેરવાનું તને ફરજિયાત નથી.”

“એમ છે?” જુવાનનો સીનો ટટ્ટાર થયો: “એમ ત્યારે. હવે તો મારી પિછાન પડી ને!”

“હા, ચાલો હવે બહાર.”

"બેશક, ચાલો."

એક હજારની કૂચકદમમાં એણે પણ પગના તાલ મિલાવ્યા. ઉઘાડે શરીરે એ છાતી પહોળાવતો ચાલ્યો. વીસ હજાર વર્ષોની જોડે એનાં સાત વર્ષો પણ શામિલ બન્યાં. સૂસવતાં ઠંડા પવનને એની છલકતી છાતી હુંકાર દેતી હતી.

"તમારે આ બાજુ જવાનું છે." કહીને દરોગાએ એને એકલાને આખી ફાઇલથી છૂટો પાડ્યો. એક મકાનના બારણા તરફ વાળ્યો. મકાન ઉપરના પાટિયા પર લખેલું હતું: બરફનું કારખાનું.

બારણામાં પેસતાં જ એની જુવાની કાંપી ઊઠી ખુલ્લા શરીરે શિયાળાની કડકડતી ટાઢમાં બરફના કારખાનાની અંદર !

એક, બે કે ત્રણ દિવસનાં એવાં પરોડિયાં ગયાં. ત્રીજી સંધ્યાએ પોતાની સુરંગમાં એ ભાંગી ભુક્કો થઈ બેઠો હતો. જુવાની થીજી ગઈ હતી. એ વિચારતો હતો. આ શું થઈ ગયું? મને અહીં મોકલનારા ક્યાં ગયા? મારા વિજયધ્વજો, મારી શહીદીના જયધ્વનિ, મારી વીરતાની તસવીરો, મારા હસ્તાક્ષરો પર અવાળા પડનારા કોમી લોકો, મને જેલમાં મહેલનો અયશઆરામ અપાવવાના બોલકોલ, બધાં કયાં ગેબ થઈ ગયાં? મેં કોઈકની શીખવણીથી છૂરી ચલાવી, તે કોના સારુ? હું અહીં એક મોટો માણસ થઈને આવ્યો, અને આખરે એક હજારમાં જ ખપ્યો. આ બરબાદી કોણે કરી?

મનમાંથી જવાબ જડ્યોઃ પોતે કોઈક ફાંસલામાં ફસાયો હતો. પોતે એક મવાલી જ હતોઃ વધું કંઈ જ નહીં.