પૃષ્ઠ:Pratimao.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
158
પ્રતિમાઓ
 


ઘડીભર એને વિચાર થઈ આવ્યો કે હવે તો જેલ-કપડાંની જોડ માગી લઉં. પરંતુ હવે તો એ વાતમાં એને પોતાની મવાલી તરીકેની મરદાનગીનું પણ અપમાન લાગ્યું. ઉઘાડું શરીર હંમેશની કરડાઈ ધરી રાખીને બરફની કોટડીમાં મુકરર કામ કરતું જ રહ્યું. દરોગાનો ટુંકારો મળવાની તો ધાસ્તી જ નહોતી. એની છેડતી કરવા કોઈ તૈયાર નહોતો. પણ આપેલું કામ ચોક્કસ કલાકે ઉકેલી મૂકવું એ એણે પોતાના નોકની વાત સમજી લીધી. દરોગાએ એનો મદ ઉતારવા માટે વધુમાં વધુ બોજો એના પર લાદી લીધો. પણ, મવાલી જુવાનનાં અંગ ટુકડે ટુકડા થઈને એ તમામ બોજાને પહોંચી વળ્યા. એની આંખોના ખૂણાની લાલી તો હમેશાં ઘોળાતી જ રહી. એણે દરોગાઓને સંભળાવી દીધું હતું. 'ચૂપચાપ કામ લિયા કરો. જબાન મત ચલાના. નહિતર જબાન ખીંચ લૂંગા.’

થોડા દિવસમાં જ દરોગાઓ દંગ થઈ ગયા. જુવાનને તેઓએ શરીર પર બંધબેસતાં ગરમ કપડાં આપ્યાં. બેપરવાઈથી જુવાને એ પહેરી લીધાં. એને જોડા સીવવાના કારખાનામાં લેવામાં આવ્યો.

[3]

"પણ આ શું? માડી રે, તમારા મોં ઉપર આ કાળી દાઝ્યો કાં પડી ગઈ છે ?"

“કંઈ નથી કંઈ. તું આટલી બધી કેમ સુકાઈ ગઈ એ તો કહે."

એની ઓરત એની મુલાકાતે આવી હતી. બેઉ એકબીજાના ગાલો ઉપર હાથ ફેરવતાં હતાં.

“તમને અહીં ખાવાપીવાનું કેમ છે? કામ-બામ તો કરાવતા નથી ને?"

“ના રે ના, મને શું કામ કરાવે?”

"હા, એ તો હું જાણું કે – શેઠે આંહીંવાળાને બરાબર ભલામણ કરી છે. એ તો મને કહે કે ભાભી, મારા ભાઈને તો જેલમાં દોમદોમ સાયબી છે.”

"હં ! ! !" મવાલીએ પોતાના ખુન્નસના અંગાર ઉપર હાસ્યની રાખ