પૃષ્ઠ:Pratimao.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
160
પ્રતિમાઓ
 

વહાલાં જનોની યાદમાં ભીંજાઈને અનંતમાં શૂન્ય મીટ માંડતાં મોઢાં, આશાહીન, લાલસાભર્યા, ક્ષુધાર્ત મોઢાં, અગણિત રેખાઓવાળી અક્કેક નિગૂઢ કિતાબ જેવાં એક હજાર મોઢાંઃ તમામ સળિયાઓની પાછળ પુરાઈ ગયાં, અને વાંદરાં જેવાં ઊભાં થઈ રહ્યાં. ભાતભાતના મુખસ્વરો, ચેનચાળા, સંકેતશબ્દો, સર્વ નિઃસ્તબ્ધ બની ગયું. દરોગાઓએ છેલ્લી ગણતરી કરી, તાળાં તપાસી આલબેલ પોકારી લીધી. પછી ઠંડા પહોરે કેદીઓએ હુલ્લડ જગવ્યું.

દિવસોના દિવસો સુધી કારખાનામાં બેઠાં બેઠાં તેઓએ તાળા તોડવાના સંચા તેમ જ તમંચા બનાવવાનો કસબ કરેલો. એ સંચાઓના છૂટક છૂટક ટુકડા એક પછી એક કોટડીમાંથી પસાર થઈ એક અગ્રેસરની તુરંગમાં એકઠા થયા, ને ત્યાંથી તાળાં તૂટ્યાં. તુરંગોની સળંગ ભોગળ હતી તે પણ ખેસવી નાખવામાં આવી. એક પછી એક કેદી બહાર નીકળી પડ્યો.

“બહાર નીકળ, દોસ્ત !” અગ્રેસરે એ જુવાન મવાલીની કોટડી પર જઈ એનું તાળું ખોલ્યું.

“મને માફ કર.” જુવાને ના કહી.

"કેમ? તું તો બધા તાલમબાજોની મોખરે હતો ને? દગો કે?”

"દગો? હું ન કરું.”

"ત્યારે ?”

"આંખો ફાડીને જોતો નથી સામે તારીખિયામાં ? આજ મારો વેરી શનિવાર મૂઓ છે.”

“તેથી શું?”

"શનિવારે હું એક પણ પરાક્રમનું કામ કરવાનો નથી. તમને ને મને બધાને અપશુકન લાગશે.”

“મર ત્યારે એકલો.”

ત્યાર પછી તો રમખાણ જામ્યું. દરોગાનાં ખૂન થયાં. વૉર્ડર અને જેલરોની ટુકડીએ આવીને ઝેરી ગેસોની રિવોલ્વરો ચલાવી. બળવો કાબૂમાં આવી ગયો. કેદીઓ લપાઈને બેસી ગયા.