પૃષ્ઠ:Pratimao.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મવાલી.
161
 


દરેક ઓરડીનો જાપ્તો કરીને ઘેર જતા વૉર્ડનને કોઈએ સાદ પાડ્યો : “એ હેઈ વૉર્ડન!”

પાછા ફરીને વૉર્ડને નજર નાખી. સાદ કરનાર મવાલી પોતાની તુરંગમાં શાંત ઊભો ઊભો હોઠ કરડતો હતો.

"આ બંધ કરી દે.” કેદીએ વૉર્ડનને પોતાની તુરંગનું ઉઘાડું તાળું બતાવ્યું.

વૉર્ડન સ્થિર થઈ ગયો. તાળું ખુલ્લું છતાં આ ભયાનક કેદી કેમ ચૂપચાપ અંદર જ ઊભેલો છે?

“કેમ, અટંકી!” વૉર્ડને હસીને પૂછ્યું: “તું કેમ બળવામાં શામિલ નથી થયો? કૂણો પડી ગયો કે શું? આવ્યો ત્યારે તો મિજાજનો પ્યાલો ફાટફાટ હતો, ખરું કે ?”

"હજુય ફાટફાટ જ છે.” મવાલીએ હોઠ કરડીને જવાબ દીધો.

"ત્યારે આમ કેમ લપાઈ બેઠા છો, બહાદર ?”

"શનિવાર હતો તેથી. વૉર્ડન ! શનિવારને ને મારે લેણું નથી. મારો જનમ જ શનિવારે થયો'તો!"

એ તુરંગને તાળું દેતાં બુઢ્ઢા વૉર્ડનને કોણ જાણે શાથી આ જુવાન ઉપર પોતાના ફરજંદ જેવું વહાલ ઊપજ્યું.

[5]

“બચ્ચા!” વૉર્ડન એ જુવાનને હમણાં હમણાં 'બચ્ચા' કહીને બોલાવતો હતો. આજે એના હાથમાં એક તાર હતો. એના મોં ઉપર ગમગીની હતી. એણે જુવાનને ખબર દીધાઃ “બચ્ચા, તારા નામનો તાર છે."

જગતમાં એક વર્ગ એવો જીવે છે કે જેને તાર-વ્યવહાર વગરનું જીવન જ ફિક્કુ લાગે છે. 'ટપાલ બીડી છે' એ ખબર પણ આ વર્ગ તારથી પહોંચાડે છે. જગતમાં બીજો વર્ગ એવો છે કે જે તારનું પરબીડિયું જોતાં જ થરથરી ઊઠે છે.

તાર દેખતાં જ જુવાનને ફાળ પડી.