પૃષ્ઠ:Pratimao.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મવાલી
167
 

તમે અહીંથી ચાલ્યા જાઓ, પણ એણે ન માન્યું. એણે મને ન કહેવાનાં મર્મ-વેણ સંભળાવવા માંડ્યાં. ત્યાં તો આ અભાગિયો નીકળ્યો. બે ય જણા વચ્ચે રમખાણ થઈ પડ્યું. શેઠ માતેલા સાંઢ જેવો. એક જ ઘડીમાં આ મારા રાંક ધણીનો ટોટો પીસી નાખત. પણ મને સાંભર્યું. ઓશીકા હેઠથી મેં તમંચો કાઢીને વછોડ્યો. ને એ પીટ્યો ઢળી પડ્યો. સાચી વાત આ છે; ઓ વૉર્ડન સાબ ! આને, આ નિર્દોષને બચાવો. એને સાટે મને ફાંસીએ મોકલો. મેં ખૂન કર્યું છે, મેં કર્યું છે, મેં જ કર્યું છે.” બોલતી બોલતી એ છાતીફાટ રડી પડી.

"હવે સાબ !” મવાલીએ ઠંડે કલેજે કહ્યું, “એ તો રાંડ ગાંડી છે ગાંડી. રાંડ મને બચાવવા સાટુ આ બનાવટ કરી રહી છે. એનું કહ્યું તમે માનશો મા, સા'બ ! કો'ક આપણને મૂરખ કહેશે, સા'બ ! લે હવે તું ભલી થઈને જ અહીંથી. નીકર ઠાલી કાંઈક સાંભળી બેસીશ.”

એટલું કહીને એણે ફરીથી ઓરતને પંપાળી, છેલ્લી બચી લીધી. એના ખોળામાં, હૈયા પર, કંઠે ને ખંભે વારંવાર પોતાનું માથું ચાંપ્યું.

થીજી ગયેલા વૉર્ડનને પણ આખરે ભાન આવ્યું કે આ તો જેલ છે, ને આ તમાશાનો કોઈ અંત નથી. પોતે પેલા શેઠની નોટોને શગડીમાં સળગાવી દીધાનો દિવસ એને યાદ આવ્યો. એણે અત્યારે પણ એ જ શેઠની નોટો આ બે જણાંની ચિતામાં બળતી દીઠી.

ધણીને બાઝી રહેલી ઓરતને 'બેટી ! હવે બસ' કહી, મીઠાશથી વિછોડાવી, વૉર્ડને ખભાને ટેકે ટેકે બહાર લીધી.

છેલ્લા પ્રભાતનું ભગભગું હતું. ધર્મગુરુ આવીને જુવાનની પાસે બેઠો. એ કંઈક પ્રાર્થના સંભળાવતો હતો. એમાં વારંવાર એવું વાક્ય આવતું હતું કે 'હે પ્રભુ! હે પિતા ! આ રંક આત્માને તું ક્ષમા દેજે. તારી ગોદમાં લેજે ! એ તારે દ્વાર આવે છે ! -'

“હવે મેરબાના” કંટાળેલો કેદી ધીરજ ગુમાવીને બોલ્યો: "મારે પ્રભુની પાસે જાવું કે બીજે ક્યાંય જાવું એ બાબત મેં હજી નક્કી નથી કરી. હજી એ નક્કી કરવા માટે મારી પાસે આખો એક કલાક બાકી છે.