પૃષ્ઠ:Pratimao.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
6
પ્રતિમાઓ
 

છે. એના નમસ્કાર ઝીલતા એ ઘરમાલિકે એને ઓળખી. વિસ્મય પામીએ બોલી ઊઠ્યો: “તમે, ઓહો તમે આંહીં ક્યાંથી ?"

“તમને કંઈક ભેટ આપવા આવી છું, શેઠજી !” એમ બોલીને બાઈએ બગલમાંથી ચોગઠું લઈ, ઉપરનો કાગળ ઉતાર્યો “આ ચિત્ર હું તમારા ઘરમાં ધરવા આવી છું.”

“કારણ ?”

“કારણ એટલું જ કે તે દિવસે મારે ઘેર તમે પેલા કલાપ્રેમી શેઠને લઈ આવેલા, ત્યારે તમને આ ગમેલું.”

“પણ એનું કેટલું મૂલ્ય માટે આપવાનું છે?”

“મૂલ્ય તમારા મોંનું ઊજળું સ્મિતઃ ને એ મૂલ્ય તો તમે તે દા'ડે ચૂકવી ગયા હતા.”

“પણ તમને હું એના સરસ પૈસા અપાવું.”

"મારે એના પૈસાને શું કરવા છે? એ મારું નથી. એનો માલિક તો દરિયાપાર ચાલ્યો ગયો છે, ને એના જીવનમાંથી હું હવે બહાર જઈ પડી છું. આ એક એની સ્મૃતિ ઘરમાં રહી હતી તેને પણ છોડવા માગું છું. એનાં મૂલ્ય લેવાનો મને હક્ક નથી.”

“તમે હવે શું કરશો?"

"પરણીશ.”

“કોની જોડે ?"

“એક ખેડૂત જોડે.”

"ખેડૂત જોડે?" પુરુષ નવાઈ પામ્યો. “શું ગાયો દોહવાના, ને ભારા ઉપાડવાના કોડ જાગ્યા છે?”

"હં-હં,” સ્ત્રી હસી: “થાય જ ને?”

"શા માટે આવી જીવનકળીને એમ ધૂળમાં રોળવા જાઓ છો ? મારી જોડે રહો ને ! હું તમને દુનિયાની રંગછોળોમાં નવરાવીશ. શા માટે ભથવારી બનવા જાઓ છો?”

"ના, ના, મારે પરણવું છે. મારે સંસાર માંડવો છે.”