પૃષ્ઠ:Pratimao.pdf/૧૮૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


ચિત્રપટની કલાને હાનિકારક લેખનાર વર્ગ ઘણો મોટો છે. એથીય વધુ મોટો સમૂહ ચિત્રપટનો પ્રેમી છે.

યુરોપી ચિત્રપટોએ જગતના નામાંકિત કથાસાહિત્યને પોતાની 'પ્રકાશ અને પ્રતિધ્વનિ'ની જીભ પર ચડાવી લીધું છે. આમ સાહિત્ય અને ચિત્રપટની કલાનો જ્યાં હસ્તમેળાપ થઈ રહેલ છે ત્યાંથી પકડેલી આ કથાઓ છે. આ વાર્તાઓમાં તો કેવળ ચિત્રપટોમાં જે જોયું તેનું જ ઝીલણ છે : કોઈ વિરાટની આંખના વેગવંતા પલકારા દરમિયાન એની કાળી પાંપણો વચ્ચે મારાથી જે કંઈ પકડી લેવાયું, તેને મેં સ્મરણ-મંદિરમાં સુવાડી લીધું. પવનવેગીલી એ. તેજપગલીઓની આછી આછી મુદ્રા મેં મારા ચિત્તપ્રદેશ પર અંકાઈ જવા દીધી. ને પછી મેં મારા અંતઃકરણની આરપાર ચાલ્યા ગયેલાં એ અતિથિઓની અખંડ સ્મરણ-સાંકળી વેરણછેરણ અંકોડામાંથી ઊભી કરી.

'પ્રતિમાઓ'ની નવ અને 'પલકારા'ની છ મળીને એ પંદરેય કથાઓનાં પાત્રોને પડદા ઉપર ઝડપી નજરે જોઈ લીધા પછી મેં કોણ જાણે કેટલી કેટલી વાર એક પછી એક મારી પાસે તેડાવ્યાં હશે : સ્વપ્નમાં ને જાગૃતિમાં, મિત્રો જોડેના વાર્તાલાપમાં અને એકાંતમાં, હસતાં હસતાં અને અશ્રુભેર, એ મારા પ્રિયજનો બન્યાં, તેઓનાં ગુપ્ત આવાસોનાં બારણાં મારે સારુ ઊઘડી ગયાં તે પછી જ તેઓની આ પિછાન આપવાનું મારે માટે શક્ય બન્યું.

આ પિછાનને, આ તેમના હાર્દ-ઉકેલને, આ પૃથક્કરણને સાહિત્યના સમીક્ષક મૌલિક નહિ માને. મેં એને સર્જ્યા નથી. પણ સર્જવામાં જો પ્રસવ-વેદના રહેલી છે, તો ઉછેરવામાં, સમજવામાં ને ચાહવામાંય ક્યાં ઓછી વેદના ૨હેલી છે ! .... એમાં મારો પ્રાણ નિચોવાયો છે.

[ પ્રતિમાઓ” અને પલકારાનાં નિવેદનોમાં]