પૃષ્ઠ:Pratimao.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
10
પ્રતિમાઓ
 

જાઓ. મને મારો ઓવર-કોટ લઈ લેવા દ્યો. ઠંડી બહુ લાગે છે.”

"નહીં નહીં મને એનાથી જુદી કરશો નહીં. મને એની જોડે જ સજા દેજો.” એવી ચીસો પાડતી એ જ્યારે મહેફિલ-ઘરની બહાર ઘસડાતી હતી, ત્યારે અંદરથી એક ગોળીબાર સંભળાયો. નગરનો મહાન ઉઠાઉગીર પોતાની છાતી ભેદીને ખલ્લાસ થયો હતો.

વકીલ-બારીસ્ટરના બચાવ વિનાની આ દિશાશૂન્ય અને એકલ બાલ-માતાએ આરોપીના પીંજરામાં. ઊભાં ઊભાં પોતાની પચીસ વર્ષની વયે આવો ઈન્સાફ સાંભળ્યો: “મરનાર ગુનેગારની આ રાંડ હતી, સબબ એના ગુનાઓમાં આ ઓરત એની રાંડ તરીકે શામિલ ન હોય તો એ અશક્ય છે. સબબ કોર્ટ એને દસ વર્ષની સખત મજૂરીની કેદ ફરમાવે છે.”

*

લોઢાના જાડા ઊભા સળિયા અને તે ઉપર ગૂંથી લીધેલી મજબૂત ઝીણી જાળી: એવી એક જેલ-બારીની અંદરથી બાળકની માતા પુત્રની દાઈને છેલ્લી ભલામણ કરી હતી: “બહેન, દસ વરસે – દસ વરસે હું બહાર આવીને તારો પાઈયે પાઈ હિસાબ ચૂકવી આપીશ. મારી જાત વેચીને પણ તને ભરી આપીશ. તું દીકરાને સાચવજે. એને દુઃખી થવા દઈશ ના.”

“બોન !” ગામડિયણ દાઈ બારી ઉપર રડી પડી: "છૈયાાની ચંત્યા તમે જરીકે ના રાખજો. હું મારી ઘરવખરી વેચીને પણ એને મોટો કરીશ. તમારું સત્યાનાશ તો, બોન, અમે જ વાળ્યું છે. મેં જ મોઈએ તમારી આંગળીએથી વીંટી કઢાવી, તે વીંટીએ જ તમને પકડાવ્યાં. તમારી આ વલે કરી !”

"બેન, હવે એ ભૂલી જા. દસ વરસ તો વાતવાતમાં નીકળી જશે. તું બચ્ચાને મોટો કરજે, ને....

હાથમાં તાળું-ચાવી લટકાવીને ઊભેલી દરોગણે હાકલ કરી: “બાઈ, મુલાકાતનો સમય પૂરો થઈ ગયો.”

"થોડી વાર, બાઈસાહેબ, થોડીક વાર !” કહેતી માતાએ બારીની જાળી સાથે બને હોઠ લગાડ્યા. પહેલી બાજુથી દાઈએ મોં અડકાડ્યું,