પૃષ્ઠ:Pratimao.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જનેતાનું પાપ
11
 

માતાએ બચીઓ પર બચીઓ ભરી, ખુદ જાળી જ ઓગળી જાય એટલી બધી બચીઓ ભરી. જાળી વાટે, દાઈના હોઠ વાટે, પહેરેગીરોનાં શસ્ત્રોની આરપાર એ બચીઓ ક્યાં પહોંચતી હતી? – કૂણાં નાના બે હોઠ ઉપર.

[5]

કલાકો, પ્રહરો, દિવસો ને રાત્રિઓ: ટીપે ટીપે ટીપે, કણીએ કણીએ, નિઃશ્વાસેઃ એમ કરતાં જીવન-શીશીમાંથી દસ વરસની રેત સરી ગઈ ને પાંત્રીસમા વર્ષની પ્રભાતે કારાગૃહના દરવાજાએ એને વિદાય-ભેટમાં દસેક વધુ વર્ષોની અવસ્થા ભેળી બંધાવી. એ બહાર આવી ત્યારે એને લેવા માટે આવડા મોટા જગતમાંથી એક જ માનવી આવી ઊભું હતું. દીકરાની દાઈ. એનું નાનકડું પોટકું દાઈએ ઉપાડી લીધું, ને બેઉએ ધીમે પગલે જેલ છોડી.

“અહોહો!” હવાની લેરખીઓ ખાતી ને ઉન્મુક્ત અજવાળું નિહાળતી પુત્ર-માતા બોલવા લાગીઃ “નવો અવતાર: નવી દુનિયા: બધું જ નવું નવું.”

ને એણે જેલ બહાર ઝાડ દીઠું. આજે એને ઝાડનાં પાંદડાંનો સ્પર્શ કરવાની છુટ્ટી હતી તેની એણે ચારે મેર જોઈને ખાતરી કરી. ઝાડની લળેલી ડાળીનાં પાંદને એણે આંખો, ગાલો ને ગળા સરસા ચાંપી લીધાં. શીતળ ! શીતળ ! કેવું સ્નેહમય અને શીતળ ! પેટનાં સેંકડો સંતાનો જાણે એના મોં ઉપર સુંવાળા હાથ ફેરવતાં હતાં, પોતે જાણે પોતાના એકના એક પુત્રના વાળ પર પંજો ફેરવતી હતી. લહરીઓમાં, કિરણોમાં, પાંદડાંના મર્મરધ્વનિમાં, જાણે માતા અને બાળકના મૂક, અગમ વાર્તાલાપ સિવાય બીજી કશી વાત નહોતી.

ઝાડને છાંયડે બેઉ થોભ્યાં. માતાએ દાઈને પુત્રના સમાચાર પૂછ્યા. ક્યાં છે? કેવડો મોટો થઈ ગયો છે? કેવો રૂપાળો છે? કદી કદી માને યાદ કરે છે ખરો? સવાલોનો અંત નહોતો. જવાબો એને અધૂરા ને અધૂરા જણાતા. દાઈ ત્યાંથી બારોબાર માતાને પુત્ર પાસે જ લઈ ચાલી.

એક મોટા અનાથ-આશ્રમને પગથિયે આવીને બેઉ ઊભાં રહ્યાં. અંદર પેસતાં પહેલાં એક જ ક્ષણે માને સાંભરી આવ્યું. એણે દાઈને પૂછ્યું: