પૃષ્ઠ:Pratimao.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
14
પ્રતિમાઓ
 

 "મને બધા એ જ કહે છે. દાઈમાં પણ બાના રૂપની વાતો કરે છે. પણ બીજા બધા મને ખીજવે છે કે તારી બા તો જેલમાં પડી છે ! હું પૂછું છું કે એમ કેમ બને? બા જેવું રૂપાળું હોય તે જેલમાં કેમ જ પડે? કોઈએ બાને ખોટેખોટી જેલમાં નાખી હશે.”

માતાએ માંડ માંડ આંસુ રોક્યાં.

પોતાની બાની બહેનપણી સામે બાળક કંઈક સ્પષ્ટીકરણની આશાએ તાકી રહ્યો. એણે પૂછ્યું: “બાને તમે જેલમાં મળી આવ્યાં ? એ મજામાં છે?"

“ભાઈ !” માતાએ શાંતિ ધરીને જવાબ દીધો: “તારી બા તો જેલમાં ગુજરી ગયાં.”

“ગુજરી ગયાં? એટલે શું મરી ગયાં?"

માએ મોં હલાવ્યું. બાળકની હડપચી પંપાળી.

બાળકે નીચું માથું ઢાળ્યું. એનું મોં પ્રાર્થનામય બન્યું, "કેમ મને કોઈએ અત્યાર સુધી ન કહ્યું – બા મરી ગયાં, એમ?”

“ભાઈ, આ ખાઈશ ને?” કહી માએ સકર-લકડી કાઢીને ધરી.

બાળકે એના બે ટુકડા કર્યા, કહ્યું: “લ્યો, અરધું હું ખાઉં, અરધું તમે ખાઓ.”

બેઉ ખાવા લાગ્યાં. બાળક ખાતો ખાતો કહે છે: “તમે મને બહુ ગમો છો."

સકર-લકડીના ટુકડા બેઉએ ગલોફાં ફુલાવીને ખાધા. જાણે ખુબ ખાઈ નાખ્યું હોય તેવી સામસામી ચેષ્ટા બેઉ કરતાં હતાં.

જમવાનો ઘંટ બજ્યો. તમામ બાળકો જવા લાગ્યાં. દાક્તર અને દાઈ પણ ચાલતાં થયાં. માએ બાળકને એક બચી ભરી. બાળક ચાલતો થયો.

મા હજુ સ્થિર જ હતી. એણે અવાજ કર્યો: “ભાઈ !"

બાળક ઊભો રહ્યો. મા સામે જોયું. મોં મલકાવ્યું.

માએ હાથ લંબાવ્યા. કહ્યું: “એક વાર.”