પૃષ્ઠ:Pratimao.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જનેતાનું પાપ
15
 


"પણ ઘંટ બજી ગયો.”

"એક જ વાર.” કહી માએ હાથ પહોળા કર્યા.

બાળકે ચોગમ નજર કરી, ત્યાં બીજું કોઈ નહોતું. ચોરની માફક દોડીને એ પેલા પહોળાયેલા હાથની બાથમાં સમાયો. માએ છેલ્લી ચૂમી. ચોડીને કહ્યું: “ભાઈ, આ ચૂમી તારાં બાની વતી.”

મૂએલી બા. મૃત્યુને સામે પારથી ઘડીભર હેત કરતી હોય, તેવું સુખ પામતો બાળક, પોતે એક નિયમબદ્ધ છાત્રાલયમાં ભણે છે એવું ભાન થતાં જ મૂઠીઓ વાળીને ત્યાંથી દોડી છૂટ્યો.

"ત્યારે તો એની બા મરી ગઈ !". દાક્તરે માતાને છાત્રાલયની બાર લઈ જતાં જતાં ઉદ્ગાર કાઢ્યો. એ સમજી ગયો હતો. માતાએ જે વેળા છોકરાની પાસે બા ગુજરી ગયાની ખબર આપી પોતાની પિછાન છુપાવી દીધી, તે જ ક્ષણે દાક્તરે દીઠું હતું કે માએ પુત્રના કલ્યાણને ખાતર જ જીવતી સમાધ લઈ લીધી હતી. એ અણદીઠ બલિદાનનાં દર્શને દાક્તરની આંખો ભીની કરી હતી.

“દાક્તરસાહેબ !” માતાએ વાત બદલી નાખીઃ "છોકરો ભણવામાં કેવો નીકળશે ?"

“દાક્તરી વિદ્યામાં ભારી ઝળકે તેવો છે, પણ એનું ખર્ચ કોણ ઉપાડી શકે?"

“દાક્તરીમાં કેટલું ખર્ચ થાય?”

"ઓ બાપ ! લખલૂટ ખર્ચ. એ તો વિચાર જ કરવા જેવો નથી.”

"દાક્તરીમાં મારો દીકરો બહુ ઝળકી ઊઠશે."

"ગજબ." દાક્તરે હાથ પહોળાવ્યાઃ “સર્વને ઢાંકે તેવો દાક્તર બને. મહાપુરુષ નીવડે.”

મા થોડી વાર થંભી ગઈ. એના હોઠ છાનું છાનું બબડતા હતાઃ 'મહાપુરુષ, મહાપુરુષ': એની આંખો ભાવિનાં શિખરો ઉપર એક પાતળા ઓછાયાને છલંગો દેતો ભાળી રહી હતી. એણે વિદાય માગતાં કહ્યું: