પૃષ્ઠ:Pratimao.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
16
પ્રતિમાઓ
 

"દાક્તરસાહેબ, મારા કાગળની વાટ જોજો.”

[6]

થોડાક જ મહિના ગયા પછી માસે માસે એ દાક્તર ઉપર નાણાંનાં પરબીડિયાં આવવા લાગ્યાં. અને એ છૂપી મદદથી માતાનો પુત્ર દાક્તરી અભ્યાસનાં પગથિયાં પછી પગથિયાં ચડવા લાગ્યો. કોના તરફથી આ પૈસાની ટપાલ આવે છે તે પુત્રને જણાવવાની ના લખાઈ આવેલી. એ નોટોના થોકડા ચાલ્યા આવતા હતા સામા તીરની સૃષ્ટિમાંથી, જ્યાં પુત્રની માતા ફરી વાર પોતાના શરીરને શણગારી, ગાલના ખાડામાં સુવાસિત પાઉડરનાં પુરાણ કરી હોઠ રંગી, હવસનાં પૂતળાંને રમાડતી હતી. મધરાત પછીની મદભભકતી મહેફિલોમાં પોતાના લૂંટાતા યૌવનને એ જાણે એમ કહેતી કહેતી રોકતી હતી કે, “પાંચ જ વર્ષ ઠરી જા ! મારો બેટો ભણીગણીને મહાપુરુષ બની જાય ત્યાં સુધી તું થોભી જા !”

પરંતુ જોબન કાંઈ કોઈના બેટાને મહાપુરુષ બનાવવા સારુ રોકાયું છે કદી? એ તો ચાલતું થયું – માના ભરપૂર દેહમાંથી-માંસ રુધિરના લોચા ને લોચા તોડીને એ તો ચાલ્યું. એક બાજુ દાક્તરી વિદ્યાલયના ભવ્ય વ્યાખ્યાન-મંદિરમાં વીસ વર્ષનો પુત્ર એક હાડપિંજરની પાંસળીઓ ગણી રહ્યો છે, ત્યારે એ મોડી રાતની રંગસૃષ્ટિમાં માતાનાં હાડકાંનું માળખું પણ ભમે છે.

જોબન ગયું, પફ-પાઉડરના થથેડા પણ કદરૂપતાને ઢાંકવા અશક્ત નીવડયા, અને પુત્ર 'મહાપુરુષ'ની નિસરણીને વચગાળે પગથિયે પૈસાની જોગવાઈ વિના અટકી પડયો હોવાના સમાચાર આવ્યા. એટલે પછી માતા સીધેસીધી દ્રવ્યચોર બની. જુગારખાનામાં, જલસાઓમાં ને પીઠાઓમાં એની ત્રાંસી નજરની ચાતુરીએ પરાયાં ગજવામાંથી પાકીટો સેરવવા માંડયાં; અને રહ્યુંસહ્યું શરીર પણ જે કોઈ પલીતને વા પિશાચને વેચી શકાય તેને વેચી એણે પુત્રને નિસરણીનાં છેલ્લાં પગથિયાં ચડાવ્યો. છેલ્લે રૂ.400ની નોટોનું પરબીડિયું ઉઠાવીને જ્યારે એ એક જુગારખાનામાંથી નાસી, ત્યારે એને