પૃષ્ઠ:Pratimao.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
18
પ્રતિમાઓ
 

બચી ગઈ હશે એ હરકોઈ જોનારને વિસ્મય પમાડે તેવી વાત હતી. જે મોટા મકાનને દરવાજે એ ઊભી રહી, ત્યાં પિત્તળનું એક સુંદર ચગદું ચોડેલું હતું. રસ્તા પરની બત્તીને અજવાળે એની નિસ્તેજ આંખોએ નજીક જઈને ચગદા પરનું નામ વાંચ્યું: 'ડૉ...'

આગળપાછળ કોઈ જ નથી એ તપાસીને આ ખંધી જેવી લાગતી બુઢ્ઢીીએ ધારીધારીને એ ચગદું ઉકેલ્યું. એ નામના એક પછી એક અક્ષર ઉપર એણે એના ધ્રુજતા હાથની બન્ને હથેળીઓ પસારી. પોતાના કરચલિયાળા ગાલ એ ચગદા સાથે ચાંપીને છૂપી શીતળતા અનુભવી. પછી એણે પોતાના ફાટેલા કપડા વતી અક્ષરો લૂછી સાફ કર્યો. અને એ અક્ષરોની પછવાડે પોતાના મોંનું પ્રતિબિમ્બ નીરખ્યું. પારકા સાઈન-બોર્ડના એ લીસા પિત્તળને, અરીસો કરી એ ડોશીએ પોતાના મોં પરની કરચલીઓ લૂછી, આંખો લૂછી, માથાના રહ્યાસહ્યા કેશ સરખા કર્યા, માથે ઓઢેલું ઓઢણું સરખું કર્યું, અને પછી એ ઊપડતે પગલે એ મકાનમાં દાખલ થઈ.

"કોણ છો તમે? કેમ આવ્યાં છો?” દરવાજા ઉપર આવેલી એક સુશોભિત, કદાવર નર્સે એને પ્રશ્ન કર્યો.

ડોશી કશું બોલી ન શકી.

“તમે દાક્તરસાહેબને મળવા આવ્યાં છો?” નર્સે ફરી પૂછ્યું.

ડોશીથી કશું બોલાયું નહીં એણે યંત્રવતું ડોકું હલાવ્યું.

“પણ દાક્તરસાહેબને મળવાનો આ સમય જ નથી.” નર્સે કહ્યું.

ડોશી જડવત્ ઊભી રહી.

“તમને દાક્તરસાહેબે અત્યારનો સમય આપ્યો છે?”

ડોશીએ ડગમગતી ડોક ધુણાવી. “હા."

નર્સ અને કમ્પાઉન્ડર સામસામાં જોઈ રહ્યાં. એ દૃષ્ટિમાં સંદેહ હતો. આખરે નર્સે કહ્યું: “ઠીક ત્યારે. આવો અંદર, બેસો અહીં.”

બારણા પાસે બતાવેલી બેઠક ઉપર ડોશી પોતાનાં કપડાં સંકોડતી. જાણે ઠંડીમાં ધ્રૂજતી હોય એ રીતે બેઠી.