પૃષ્ઠ:Pratimao.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


19
જનેતાનું પાપ
 

નર્સ અને કમ્પાઉન્ડર જ્યારે પાછાં બીજા ઓરડામાં જઈ કામે લાગી ગયાં, ત્યારે ડોશીના શરીરમાં ફરી સંચળ શરૂ થયો. એણે એક વાર તો ત્રાંસી નજરે જોઈ લીધું કે આગળપાછળ ત્યાં કોઈ છે કે નહીં. કોઈ જ નહોતું, એટલે એણે માથું હલાવી, ધારીધારીને એ બેઠકનો ખંડ તપાસ્યો. અવતાર ધરીને કદી દીઠું જ ન હોય તેમ આભી બનીને એ જોઈ રહી. પછી સામેની બાજુએ આવેલા એક બારણા પર એની નજર પડી. લપાઈને એ ઊઠી. ચોરના જેવી સિફતથી એ ત્યાં પેસી ગઈ. ઓરડાની શોભા, સ્વચ્છતા, રિદ્ધિસિદ્ધિને જોતી જોતી એ છેક મોટા ટેબલ પાસે પહોંચી, ટેબલની પછવાડે ખુરસી હતી ત્યાં પેસીને ખુરસીના લીસા લાકડા પર ને મખમલની ગાદી પર એણે હાથ ફેરવ્યા. અનંત સુખની લાગણી થતી હોય તેવી એની મુખાકૃતિ બની ગઈ. પછી એ બીતી બીતી ઝટપટ ખુરસી પર બેસી ગઈ. લહેરથી, રૂવાબથી, ગંભીર મોં કરીને બેઠી. કબાટોમાં સોનેરી પૂઠાંવાળાં દળદાર પુસ્તકો ગોઠવાયેલાં હતાં તે દીઠાં. અને આખરે શું દિઠું?

એક છબી એ સુંદર ખુરસીની ડાબી બાજુએ એક નાના મેજ ઉપર, વિજળીની લીલી બત્તી નીચે, અગરબત્તીનાં બે ધૂપિયાની વચ્ચે ધરેલી, કોઈ ભક્તના ઘરની દેવપ્રતિમા જેવી એક છબી,

છબીમાં એક ભરયૌવના અને ઐશ્વર્યમયી મા બેઠી છે. માના ખોળામાં, માના બે હાથના કૂંડાળાની અંદર બે વર્ષનો એક બાળક બેઠો છે. માં હસે છે. બાળક પણ હસે છે.

પચીસેક વર્ષોની ઝાંખપ એ છબી ઉપર વળી ગઈ હતી. છતાં મા. અને બાળકના મોં પરનું હાસ્ય મોજૂદ હતું.

ડોશીએ એ છબી ઉપાડી. છબીને છાતીસરસી ચાંપીને એ ઊભી થઈ રહી. ત્યાં તો બારણા ઉપર અવાજ સંભળાયોઃ “જુઓ સાહેબ, આ રહી એ ડોશી”

ડોશીએ ઊંચે જોયું. ત્રણ જણાંને દીઠાં. એક નર્સ, બીજો કમ્પાઉન્ડર, ને ત્રીજો એક સત્તાવીસ વર્ષનો પાતળો, સીધો સોટા સરખો, નમણો, કદાવર