પૃષ્ઠ:Pratimao.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જનેતાનું પાપ
21
 

દાક્તરના અવાજમાં તેમ જ મુખમુદ્રામાં પલટો આણ્યો. દાક્તરે ફરીથી ડોશીના દિદાર નિહાળીને પૂછ્યું: “તમે ખાધું છે કે નહીં ડોશીમા? ક્યારે ખાધું છે?”

“કાલે.” ડોશીએ ઠંડો જવાબ આપ્યો.

દાક્તરે થોડો વિસામો ખાધો. પછી એણે નોકરને કહ્યું ખાવાની થાળી તૈયાર કરીને લાવ જલદી.” અને નર્સને કહ્યું: “તમે બહાર જાઓ અને દરવાજો બંધ રખાવો. હમણાં કોઈને અંદર આવવા ન દેશો, તમે પણ બહાર જ રહેજો."

“પણ – પણ – સાહેબ –" નર્સ ગભરાટમાં પડી.

“કશો જ ભય નથી. જાઓ તમે તમારે."

દાક્તરને કોઈ ડાકણના સાથમાં મૂક્યા હોય તેવી ગભરાટભરી મનોદશામાં નર્સે અને નોકરે બહાર નીકળી બારણું વાસ્યું.

દાક્તર અને ડોશી એકલાં પડ્યાં. દાક્તરે પોતાના આ વિલક્ષણ દર્દીની શરીર-પરીક્ષા શરૂ કરી.

“કહો હવે, માડી ! શું છે તમને ?”

ડોશી તો મૂંગી મૂંગી દાક્તરનો કંઠ-રણકાર અને રોગ-પરીક્ષાની છટા નિહાળી રહી.

"લાવો, તમારા હાથ જોઉં?” કહેતાં દાક્તરે ડોશીના હાથ પોતાના હાથમાં લીધો. દાક્તર તો તપાસી રહ્યા છે ડોશીના નખ: નખ ઉપરથી કંઈક રોગ પારખવા માગે છે. પણ બુઢ્ઢીને તો દાક્તરના હાથનો સ્પર્શ કોઈ સ્વર્ગીય શીતળતા આપી રહ્યો છે. બુઢ્ઢીના અંગેઅંગમાં ટાઢા શેરડા પડ્યા.

“હા, હવે જોઉં તમારી આંખો” કહીને દાક્તરે એ કાળાં કૂંડાળાંમાં પડેલી, ઓલવાતા બે દીવા જેવી, ઊંડા ખાડામાં ઊતરેલી વૃદ્ધ આંખોની નીચલી પાંપણો જ્યારે આંગળી વતી પહોળી કરી, ત્યારે બુઢીના નિસ્તેજ . તારલા દાક્તરના મોંને તદ્દન નજીકથી જોઈ શક્યા.