પૃષ્ઠ:Pratimao.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જનેતાનું પાપ
23
 

માડી?' એવા મધુર ટાઉકારથી કશી જ ચિંતા ન કરવાનું કહેતો જાય છે, ને કબાટમાંથી ઊપડતી શીશીઓ એક પછી એક રણકાર પૂરતી જાય છે, પ્યાલીમાં ટપકતાં ઔષધિઓનાં ટીપાં પણ કોઈ અતીત સંગીતના સૂરો કાઢે છે. એક-બે વાર વાતો કરતાં કરતાં દાક્તરે ડોશીની સામે જોયું, પણ પછી તો ‘મિક્સ્ચર' બનાવવામાં પોતે એટલો મશગૂલ બન્યો, નવી નવી એટલી માત્રાઓ એને સૂઝવા લાગી, અને ગુમ થયું માનેલું કશુંક જીવન સર્વસ્વ આ બુઢ્ઢીને રૂપે એને પોતાના ઓરડામાં એટલું તો સલામત જણાયું, કે બુઢ્ઢી તરફ નિહાળવું એ ચૂકી ગયો. ફક્ત એ કશીક અસંબદ્ધ વાતો બબડતો જતો હતોઃ 'સમજ્યાં ને માડી?' 'તમે માડી, સમજ્યાં ને?' એ એક જ વાક્ય એના બબડાટમાં વિરામચિહ્ન જેવું બની ગયું, અને પછી 'સમજ્યાં ને, માડી!'નો છેલ્લો ટૌકો કરી, 'મિક્સ્ચર' બની ગયે, એણે જ્યારે ડોશીની ખુરસી તરફ નજર કરી, ત્યારે ખુરસી પર કોઈ નહોતું બેઠું. 'માડી' ચાલી ગઈ હતી.

કયાં ચાલી ગઈ, એ પત્તો કોઈને ન મળ્યો. દાક્તરના જીવનમાં 'માડી' શબ્દ ભણકારરૂપે રહી ગયો.