પૃષ્ઠ:Pratimao.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આખરે


મોટા શહેરની આ એક આલેશાન ઑફિસ હતી. સો-બસો મહેતાઓની કલમો ચીંચીંકાર કરતી કાગળો પર આંકડા-અક્ષરો પાડતી હતી. ટાઈપરાઈટરો પર ચાલીસ-પચાસ પંજા પછડાતા હતા. ટેલિફોનની ઘંટડીઓને જંપ નહોતો. બસો મનુષ્યોનું બાઘામંડળ કોઈક યંત્રમાળના સંચાઓ જેવું નિઃશબ્દ કામગરી ખેંચી રહ્યું હતું.

તે વખતે સંધ્યાના તેજમાંથી ઘડેલી પ્રતિમા જેવી એક જોબનવંતી સ્ત્રી ત્યાં દાખલ થઈ. વચલા રસ્તા પર ચાલતી, બન્ને બાજુએ હારબંધ ગોઠવાયેલા ચહેરાઓને તપાસતી તપાસતી પોતાના રૂપને દોરે આ બસો જણાઓની આંખોને પરોવતી પરોવતી, તાલબદ્ધ પગલે લાદીના પથ્થરોમાં પ્રાણ જગાડતી એ સ્ત્રી આગળ આગળ વધતી ગઈ. આખરે એને જ્યારે ભોમિયાએ એ વિશાળ ખંડને છેક બીજે છેડે એક ખૂણામાં લઈ જઈ ઊભી રાખી, ત્યારે એની છાયાએ એ છેલ્લા ટેબલ પર ઝૂકેલી એક ગરદનને ચમકાવી ઊંચી કરી. થાકેલી એ ગરદન નીચેથી એક નમણો ને સારી પેઠે સુકાયેલો ચહેરો ઊંચો થયો. એ બે તેજહારેલી આંખોએ આ મૂંગી ઊભેલ સ્ત્રી-મહેમાનનું મોં થોડી ક્ષણો તાકી રહ્યા પછી જ ઓળખ્યું. સુખદ, છતાં સજળ, કરુણ અને કંઈક ખસિયાણો પડી ગયેલો એ ચહેરો માંડ માંડ પૂછી શક્યો: “તમે અહીં કયાંથી?”

"ઓળખતાં કંઈ આટલી બધી વાર ?” મહેમાને મીઠાશથી સામે પૂછ્યું.

"ઘણાં વર્ષો થઈ ગયાં એટલે હું ખ્યાલ ચૂકી ગયો ખરો. પણ કહો, તમે અહીં ક્યાંથી?”

24