પૃષ્ઠ:Pratimao.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આખરે
25
 


"પછી કહું. પહેલાં તમે જ કહો, તમે અહીં કયાંથી? – આ કારકુનીમાં?”

"કેમ?” પોતાની કંગાલિયતનો ખરો આઘાત પુરુષને અત્યારે લાગ્યો.

“કવિતા અને સાહિત્ય તારાં ક્યાં ગયાં? એ ક્ષેત્ર છોડીને અહીં?" સ્ત્રીએ જૂની યાદ જાગ્રત કરી.

ઉત્તરમાં યુવાન જરા નીચું, વીલું મોં રાખીને ઊભો રહ્યો. પણ મહેમાનની આંખો હજુ ઉત્તર માગતી ચોંટી હતી. કારકુન જુવાનનો હાથ ધીરે ધીરે પોતાના ગજવા તરફ ગયો. અંદરથી નાની એક નોંધપોથી ખેંચીને એમાંથી એણે એક પતાકડું ઉપાડ્યું. મહેમાન તરફ લંબાવી કહ્યું: જોઈ લ્યો. કારકુની કરું છું શા માટે, તેનો જવાબ એ છબી આપશે.”

સ્ત્રી જેમ જેમ છબી નીરખતી ગઈ તેમ તેમ એના મોં પર દીપ્તિ ને હોઠ પર સ્મિત ફૂટ્યાં. “આ બધાં કોણ? એક, બે, ત્રણ, ચાર, પાંચ આ પાંચેય શું તમારાં...”

"મારાં છોકરાં." કારકુનને ભોંઠામણ આવતું હતું.

“વાહ રે!" છબી નિહાળતી સ્ત્રી હર્ષ પામી રહીઃ “કેવાં સુંદર છે પાંચેય જણાં: આ વચેટ બેઉ જોડકાં લાગે છે, નહીં?” પુરુષે એ પ્રશ્નમાં હાંસીના સૂર સમજી ફક્ત માથું જ ધુણાવ્યું.

"તમારે ઘેર હું આવું? તમારાં વહુને અને આ છોકરાને મળવાનું મને મન થાય છે.”

“ચાલો. પણ તમને ગમશે?”

“શા માટે નહીં ગમે?”

આવી એક સુઘડ, સંસ્કારવતી અને રસીલી સ્ત્રી, કે જેનો પોતે નવેક વર્ષ પહેલાંના કૉલેજજીવનમાં એક સન્માનિત વીર હતો, તે સ્ત્રીને પોતાના અત્યારના કુટુંબજીવનનું દર્શન કરાવવાની વાતથી એ યુવાન ખૂબ ખચકાયો. “મારું ઘર જોઈને તમે શું કરશો? નાહક તમારો જીવ બળશે.” એમ કહીને એણે આ અભ્યાસકાળની ભક્તહૃદય મિત્રનું અંતર અનુકમ્પિત બનાવવા